મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકરને મળ્યા બાદ સતીશ સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી
ગઈ કાલે મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસળકરને મળવા પહોંચેલા દિશા સાલિયનના પિતા સતીશ સાલિયન (વચ્ચે) અને તેમના વકીલ નીલેશ ઓઝા (જમણે).
મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકરને મળીને તેમણે કરેલા આરોપોની તપાસ કરવાની ડિમાન્ડ કરી, આદિત્ય ઠાકરે ડ્રગ્સના ધંધામાં સામેલ હોવાનો આરોપ કર્યો
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનના મૃત્યુની ફરીથી તપાસ કરવાની માગણી કરતી પિટિશન તેના પિતા સતીશ સાલિયને બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ કર્યા બાદ ગઈ કાલે સતીશ સાલિયને મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકરને મળીને આદિત્ય ઠાકરે ડ્રગ્સના ધંધામાં સામેલ હોવાનો અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે પુત્રને બચાવવા માટેના તમામ પ્રયાસ કર્યા હોવાથી બન્નેની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને તપાસ કરવાની માગણી કરી હતી. સતીશ સાલિયનની આ માગણીથી આદિત્યની સાથે ઉદ્ધવ ઠાકરેની પણ તકલીફ વધી શકે છે.
ADVERTISEMENT
મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકરને મળ્યા બાદ સતીશ સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘દિશા સાલિયનના મૃત્યુના મામલાની તપાસ કરવા માટે બનાવવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ ૨૦૨૩ની ૧૧ ડિસેમ્બરે સતીશ સાલિયને જવાબ નોંધાવ્યો હતો. એ સમયે SITએ પૂછેલા પ્રશ્નના જવાબમાં તેમણે કેસને ફરી ઓપન કરીને તપાસ કરવાની હા પાડી હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ની તપાસ મુજબ આદિત્ય ઠાકરે ડ્રગ્સના ધંધામાં સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું. એની માહિતી અમારી પાસે છે. આદિત્ય ઠાકરે અને ડિનો મોરિયા વચ્ચે ફોન પર થયેલી વાતચીતના પુરાવા અમારી પાસે છે. એક કંપનીના માલિક સમીર ખાનને ડ્રગ્સ સિન્ડિકેટના મામલામાં NCBએ આરોપી બનાવ્યો હતો. આ કંપની સાથે ડિનો મોરિયા, સૂરજ પંચોલી, આદિત્ય ઠાકરે નિયમિત સંપર્કમાં હોય છે. આદિત્ય ઠાકરે ડ્રગ્સના પ્રકરણમાં સામેલ હોવાનું જણાઈ આવ્યું હોવા છતાં NCB અને એ સમયના અધિકારી સમીર વાનખેડેને આદિત્ય ઠાકરે સામે કાર્યવાહી કરતાં કોણે રોક્યા હતા? આ મામલામાં કેટલા કરોડ રૂપિયાની ડીલ થઈ હતી? ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે દિશા સાલિયનના મૃત્યુના મામલામાં આદિત્ય ઠાકરેને બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા એટલે તેમની સામે પણ FIR નોંધીને તપાસ થવી જોઈએ એવી માગણી અમે કરી છે.’
દિશાનો ફ્રેન્ડ સ્ટીવ પિન્ટો થયો ગાયબ
ઍડ્વોકેટ નીલેશ ઓઝાએ કહ્યું હતું કે ‘દિશા સાલિયનનો સ્ટીવ પિન્ટો નામનો એક ફ્રેન્ડ હતો જે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો છે. ૨૦૨૦ની ૭ જૂને એકતા કપૂરના ઘરે એક પાર્ટી થઈ હતી, જેમાં પોલીસ-અધિકારી પરમબીર સિંહ, સુશાંત સિંહ રાજપૂત, દિશા સાલિયન, આદિત્ય ઠાકરે હાજર રહ્યાં હતાં. પાર્ટીના બીજા જ દિવસે દિશાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. સ્ટીવ પિન્ટોએ બાદમાં તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ ટ્વિટરમાં કેટલીક પોસ્ટ કરી હતી જેમાં દિશાની હત્યા કેવી રીતે કરવામાં આવી હતી એની હિન્ટ આપી હતી. એ પછી સ્ટીવ પિન્ટોનો પત્તો નથી લાગી રહ્યો. અમે મુંબઈના પોલીસ-કમિશનરને આ મામલાની તપાસ કરવાની પણ માગણી કરી છે. અમારી ફરિયાદ ખોટી પુરવાર થાય તો અમને ફાંસીએ ચડાવજો.’

