આ શોમાં છત્રપતિ શિવાજી મહારાજ અને વીર મરાઠાઓના અદ્વિતીય પરાક્રમ, શૌર્ય અને સ્વરાજ્યના ગૌરવશાળી ઇતિહાસને જીવંત કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર શાસનના માધ્યમથી રવિવારે સાંજે ૭ વાગ્યે પવઈ લેકના ગણેશ ઘાટ ખાતે શહેરનો પ્રથમ મેગા-સ્કેલ ફ્લોટિંગ મલ્ટિમીડિયા લાઇટ, સાઉન્ડ ઍન્ડ ફાયર શો સાકાર કરવામાં આવી રહ્યો છે. મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ વિકસાવવામાં આવેલો આ પ્રોજેક્ટ કુદરતી પવઈ તળાવ પર સરકાર દ્વારા નિર્મિત મુંબઈનો આ પ્રકારનો પ્રથમ ભવ્ય મલ્ટિમીડિયા શો છે. મુંબઈગરાઓને આ શો ફ્રીમાં જોવા મળશે. કૅબિનેટ મિનિસ્ટર અને મુંબઈ સિટીના ગાર્ડિયન મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢા આ શોનું ઉદ્ઘાટન કરશે. ૧૨૦ મીટર લાંબો આ ફ્લોટિંગ ફાઉન્ટન ભારતના સૌથી મોટા અને અત્યાધુનિક ફ્લોટિંગ ફાઉન્ટન પ્રોજેક્ટ્સમાં સામેલ છે. દુબઈની જેમ ન્યુમેટિક જેટ્સ અને વૉટરસ્ક્રીન હશે જેમાં હાઈ-પ્રેશર ન્યુમેટિક નોઝલ લગાવવામાં આવ્યા છે જે પાણીને ૩૦થી ૪૦ મીટરની ઊંચાઈ સુધી લઈ જાય છે. સાથે જ લેસર અને મલ્ટિમીડિયા પ્રોજેક્શન માટે ૩ વિશાળ વૉટરસ્ક્રીન (કુલ આશરે ૧૦૦ મીટર પહોળાઈ) લગાવવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજ અને વીર મરાઠાઓની ગૌરવગાથા અત્યાધુનિક સ્પેશ્યલ ઇફેક્ટ્સ, લેસર પ્રોજેક્શન અને મલ્ટિમીડિયાના માધ્યમથી દર્શાવવામાં આવશે. આ શોમાં છત્રપતિ શિવાજી મહારાજ અને વીર મરાઠાઓના અદ્વિતીય પરાક્રમ, શૌર્ય અને સ્વરાજ્યના ગૌરવશાળી ઇતિહાસને જીવંત કરવામાં આવશે. સંગીત, રોશની અને પાણીના ફુવારાઓ સાથે તાલ મિલાવતા ૪૯ ફાયર નોઝલ આ શોનું મુખ્ય આકર્ષણ છે જે ૮ મીટરની ઊંચાઈ સુધી અગ્નિની જ્વાળાઓ પ્રજ્વલિત કરી સ્વરાજ્યના શૌર્યનાં દર્શન કરાવશે.
