રિયા પૅલેસના દસમા માળે રહેતા દંપતી અને તેમના કૅર-ટેકરનાં મોત
આગની ઘટના પછી ૧૪ માળના રિયા પૅલેસ બિલ્ડિંગમાં પોલીસ
અંધેરીના લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં ૧૪ માળની રિયા પૅલેસ સોસાયટીના દસમા માળે એક ફ્લૅટમાં ગઈ કાલે સવારે અચાનક આગ લાગી હતી. આ આગમાં ૭૪ વર્ષના બિઝનેસમૅન ચંદર પ્રકાશ સોની, તેમનાં ૭૪ વર્ષનાં પત્ની કાંતાબહેન અને તેમના કૅર-ટેકર ૪૨ વર્ષના રવિ પેલુબેટાનાં મૃત્યુ થયાં હતાં. મૂળ પંજાબના ચંદેર સોનીના બે દીકરા છે; એક સિંગાપોર રહે છે અને બીજો અમેરિકા. સિંગાપોર રહેતો દીકરો મુંબઈ આવવા નીકળી ગયો છે.
આ બાબતે સોસાયટીના સેક્રેટરી કે. અરોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે મારા દીકરાએ દસમા માળના ફ્લૅટ નંબર ૧૦૦૧ અને ૧૦૦૨માંથી આગની જ્વાળા નીકળતી જોઈ હતી. તેણે તરત જ મને જાણ કરી હતી. જરાય સમય વેડફ્યા વગર અમે આ ઘટનાની પોલીસ અને ફાયર-બ્રિગેડને જાણ કરી હતી. ફાયર-બ્રિગેડ અને પોલીસ થોડી વારમાં આવી ગઈ હતી અને તેમણે આગને કાબૂમાં લઈ લીધી હતી.’
ADVERTISEMENT
જીવ ગુમાવનાર ચંદર સોની
આ પહેલાં આ ફ્લૅટના પાડોશીએ આગના ધુમાડા જોઈને ચાવીથી ફ્લૅટનો દરવાજો ખોલવાની ઘણી કોશિશ કરી જોઈ હતી એમ જણાવતાં કે. અરોરાએ કહ્યું હતું કે ‘તેમનાથી દરવાજો ન ખૂલતાં અમારી સોસાયટીના સિક્યૉરિટીએ આખરે દરવાજો તોડી નાખ્યો હતો, પણ ફ્લૅટની અંદર ધુમાડાના ગોટેગોટા પ્રસરી ગયા હોવાથી કશું દેખાતું નહોતું. ત્યાર પછી ફાયર-બ્રિગેડ અને પોલીસ અંદર ગઈ હતી. તેમને ફ્લૅટના લિવિંગરૂમમાંથી સોની પરિવારના કૅર-ટેકરની બૉડી મળી હતી. એ પછી અંદર બેડરૂમમાં સોની દંપતીના મૃતદેહ જોવા મળ્યા હતા. પોલીસ તેમને તરત કૂપર હૉસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત્યુ પામેલાં જાહેર કર્યાં હતાં. ફ્લૅટ બળીને ખાખ થઈ ગયો છે. પોલીસે અત્યારે ફ્લૅટ સીલ કરી દીધો છે અને આગના કારણની તપાસ કરી રહી છે. એ સિવાય અમારી પાસે કોઈ માહિતી નથી.’
આ ઘટના વિશે ફાયર-બ્રિગેડના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોની દંપતીના કૅર-ટેકરનું મૃત્યુ ગૂંગળામણને લીધે થયું હોવાનું અમને લાગે છે, જ્યારે ચંદેર સોની અને તેમનાં પત્ની આગમાં દાઝી જવાને લીધે મૃત્યુ પામ્યાં છે. આગ કઈ રીતે લાગી એનાં કારણની તપાસ ચાલી રહી છે.’