ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને રાત્રે સાડા નવ વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હતો
પાલી હિલની નવરોઝ સોસાયટીમાં લાગેલી આગ
બૉલીવુડના અનેક સ્ટાર્સ જ્યાં રહે છે એ બાંદરા-વેસ્ટના પાલી હિલ વિસ્તારની નવરોઝ સોસાયટીમાં ૧૪મા માળે આવેલા ફ્લૅટમાં ગઈ કાલે રાતે ૮.૦૪ વાગ્યે આગ ફાટી નીકળી હતી.
બીએમસીના જણાવ્યા મુજબ આગની જાણ થતાં જ ચાર ફાયરએન્જિન, ત્રણ જમ્બો ટૅન્કર અને અન્ય રેસ્ક્યુ વેહિકલ્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને રાત્રે સાડા નવ વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઘાયલ થવાના અહેવાલ નથી. પૉશ સોસાયટીમાં આગ લાગી હોવાથી તરત જ મોટી સંખ્યામાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. સાવચેતીની દૃષ્ટિએ મકાન ખાલી કરાવાયું હતું.
પાલી હિલના મેઇન નર્ગિસ દત્ત રોડ પર આ સોસાયટી આવેલી હોવાથી સાંજના સમયે ત્યાં પુષ્કળ ટ્રાફિક રહેતો હોય છે. આગ લાગેલી જોઈને અનેક વાહનચાલકો સાઇડમાં વાહનો ઊભાં રાખી દેતા હતા એટલે પોલીસ અને ટ્રાફિક-પોલીસે તેમને વાહનો આગળ લઈ જવા અને ટ્રાફિક-જૅમ ન કરવા સમજાવવા પડ્યા હતા. થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે આગ ચોક્કસ શા કારણે લાગી હતી અને એમાં કેટલું નુકસાન થયું એ જાણી શકાયું નહોતું.

