ભક્તોએ લાલબાગચા રાજાને આટલા રૂપિયા કૅશ ડોનેટ કર્યા : ૪૧૫૧+ ગ્રામ સોનાના અને ૬૪,૦૦૦+ ગ્રામ ચાંદીના દાગીના પણ ધર્યા : આજે સાંજે હરાજી
લાલબાગચા રાજાને અર્પણ કરવામાં આવેલી કૅશની ગણતરી કરી રહેલા મંડળના કાર્યકરો.
ભક્તોની માનતા પૂરી કરવા માટે જાણીતા લાલબાગચા રાજાને આ વર્ષે ભક્તોએ દિલ ખોલીને દાન કર્યું છે. ગણેશોત્સવ ૭ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર સુધી હતો, પણ અસંખ્ય ભક્તોએ બાપ્પાની મૂર્તિનું વિસર્જન થયા બાદ પણ ૨૦ સપ્ટેમ્બર સુધી દાન આપવાનું ચાલુ રાખ્યું હતું. આથી લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળને મળેલા દાનની અંતિમ ગણતરી ગઈ કાલ સુધી ચાલુ રાખવામાં આવી હતી. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ બાળાસાહેબ કાંબળેએ કહ્યું હતું કે લાલબાગચા રાજાનાં ચરણે ૫,૬૫,૯૦,૦૦૦ રૂપિયા કૅશ, ૪૧૫૧.૩૬૦ ગ્રામ સોનાના અને ૬૪,૩૨૧ ગ્રામ ચાંદીના દાગીના ધર્યા હોવાનું જણાઈ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ બાપ્પાને પાંચ કરોડ રૂપિયાથી વધુની કૅશ દાનમાં મળી હતી. ભક્તો દ્વારા લાલબાગચા રાજાનાં ચરણે ધરવામાં આવેલી સોના અને ચાંદી સહિતની વસ્તુઓનું લિલામ કરવામાં આવે છે. આજે સાંજે છ વાગ્યે મંડળ દ્વારા આ લિલામ કરવામાં આવશે.