કહ્યું કે શરદ પવારે OBC આરક્ષણ આપ્યા બાદ કેટલાક જિલ્લામાં ઊભી થયેલી વિસ્ફોટક સ્થિતિ વિશે ચર્ચા કરી
શરદ પવારને મળ્યા પછી એક પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા છગન ભુજબળ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા અને કૅબિનેટપ્રધાન છગન ભુજબળે ગઈ કાલે સવારે અચાનક શરદ પવારની તેમના મુંબઈ ખાતેના સિલ્વર ઓક બંગલામાં જઈને મુલાકાત કરી હતી. છગન ભુજબળે બે દિવસ પહેલાં બારામતીમાં આયોજિત જનસન્માન રૅલીમાં શરદ પવાર સહિત તેમના સહયોગીઓની ટીકા કરી હતી અને હવે અચાનક તેઓ શરદ પવારને મળવા ગયા હતા એટલે જાત-જાતની ચર્ચા શરૂ થઈ હતી. શરદ પવારને મળીને બહાર આવ્યા બાદ છગન ભુજબળે પત્રકારોને કહ્યું હતું કે ‘પવારસાહેબનો સમય લીધા વિના હું તેમના બંગલે પહોંચી ગયો હતો. તેમની તબિયત ઠીક ન હોવાથી તેઓ આરામ કરી રહ્યા હતા. દોઢેક કલાક બાદ તેઓ જાગ્યા હતા. મેં તેમને કહ્યું હતું કે હું નેતા કે પ્રધાન તરીકે નહીં પણ મહારાષ્ટ્રમાં અધર બૅકવર્ડ ક્લાસ (OBC) આરક્ષણ વિશે વાત કરવા આવ્યો છું. પવારસાહેબને મેં કહ્યું હતું કે તમે OBC આરક્ષણ આપ્યું હતું; હવે રાજ્યમાં કેટલાક જિલ્લામાં સ્ફોટક સ્થિતિ ઊભી થઈ છે. કેટલાક લોકો મરાઠા સમાજની હોટેલમાં જતા નથી; ધનગર, વંજારી અને માળી સમાજની દુકાનમાં મરાઠા સમાજના લોકો નથી જતા; આવી સ્થિતિ ઊભી થઈ છે; રાજ્યના વરિષ્ઠ નેતા તરીકે તમારી જવાબદારી છે કે રાજ્યમાં શાંતિ રહે; આ માટે તમારે આગળ આવવું જોઈએ. પવારસાહેબે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મરાઠા આરક્ષણની માગણી કરી રહેલા મનોજ જરાંગે પાટીલ સાથે શું વાત કરી છે, તમે બધા કહો છો તો હું આ વિશે શું કરી શકાય એ માટે મુખ્ય પ્રધાન સાથે વાત કરીશ, જાતિ-જાતિ વચ્ચે ઊભી થયેલી સ્થિતિનો પ્રશ્ન હલ કરવા માટે હું તૈયાર છું.’