CBI અને ડિફેન્સના અધિકારીઓને ટ્રેઇનિંગ આપતા કચ્છી સાઇબર ફૉરેન્સિક એક્સપર્ટનું અકાળ નિધનઃ બોરીવલીમાં રહેતા સચિન દેઢિયા CA અસોસિએશનના પદાધિકારીઓને ટ્રેઇનિંગ આપવા પુણે જઈ રહ્યા હતા ત્યારે તેમની કારનો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અકસ્માત થયો
સાઇબર ફૉરેન્સિક એક્સપર્ટ સચિન દેઢિયા
બોરીવલીમાં રહેતા સાઇબર ફૉરેન્સિક એક્સપર્ટ સચિન દેઢિયા ગઈ કાલે વહેલી સવારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ અસોસિએશનમાં ટ્રેઇનિંગ આપવા પુણે જવા નીકળ્યા હતા, પણ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર શીરગાવ પાસે તેમની કારના ડ્રાઇવરે ફુલ સ્પીડમાં કાર આગળ ઊભેલા ટૅન્કર સાથે અથડાવી દેતાં ગોઝારો અકસ્માત થયો હતો. તેમની કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કારમાં બહુ ખરાબ રીતે ફસાઈ ગયેલા સચિન દેઢિયાને માથામાં થયેલી ઈજાને કારણે પુષ્કળ લોહી વહી ગયું હોવાથી તેમને બહાર કાઢીને હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાય એ પહેલાં રસ્તામાં ઍમ્બ્યુલન્સમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને હૉસ્પિટલ લઈ જવામાં ખાસ્સો સમય નીકળી ગયો હતો.



