પ્રેન્કના નામે સૉફ્ટ પૉર્ન
મજાક-મશ્કરીના વિડિયો (પ્રેન્ક)ના ઓઠા હેઠળ સૉફ્ટ પૉર્ન ફિલ્મ બનાવીને એ યુટ્યુબ પર અપલોડ કરનાર ૩ યુવાનોને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના સાઇબર સેલના અધિકારીઓએ ઝડપી લીધા છે. જોકે તેઓ સગીર છે કે કેમ એ બાબતની હાલ તપાસ ચાલી રહી છે. બે યુવાનોને મલાડના કુરાર વિલેજમાંથી જ્યારે એક જણને થાણેથી ઝડપી લેવાયો છે.
ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ આ વિશે કહ્યું હતું કે ‘છેલ્લાં પાંચ વર્ષથી યુટ્યુબર્સની એક ગૅન્ગ છે જે તેમની ચૅનલ પર પ્રેન્કના નામે અભદ્ર અને અશ્લીલ વિડિયો અપલોડ કરે છે. આ મોટું રૅકેટ હોવાનું હાલ જણાઈ રહ્યું છે. આ કેસમાં વધુ ધરપકડ થઈ શકે છે.’
ADVERTISEMENT
ક્રાઇમ બ્રાન્ચને ૨૩ ફેબ્રુઆરીએ ફરિયાદ મળી હતી કે યુટ્યુબ પરની ૯ ચૅનલ પર અશ્લીલ અને અભદ્ર વિડિયો અપલોડ કરવામાં આવે છે. એથી એ બાબતે તપાસ ચાલુ કરીને પ્રિન્સકુમાર રાજુ સાવ અને જિતેન્દ્ર બૈચેતરામ ગુપ્તાને મલાડના કુરારમાંથી જ્યારે મુકેશ ફુલચંદ ગુપ્તાને થાણેથી ઝડપી લેવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ ત્રણ આરોપીઓની ધરપકડ થતાં જ તેમના અન્ય સાગરીતો જે એ ફિલ્મ શૂટ કરતા હતા અને અપલોડ કરતા હતા તેમણે તેમની એ વાંધાજનક કન્ટેન્ટ ચૅનલ પરથી હટાવી લીધી હતી અને તેમનાં અકાઉન્ટ ડિલિટ કરી નાખ્યાં હતાં. આ ગૅન્ગના સભ્યો એ ફિલ્મો બીચ પર, અવાવરું કિલ્લાઓમાં કે જાહેર ગાર્ડનમાં બનાવતા હતા. એ ફિલ્મોમાં આરોપીઓ મહિલાઓની છેડતી કરતા, તેમને અશ્લીલ રીતે સ્પર્શ કરતા અને તેમનાં પ્રાયવેટ પાર્ટ્સ બાબતે ગંદી કમેન્ટ અને અશ્લીલ વાતો કરતા જોવા મળતા હતા.’
સાઇબર સેલના અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ફિલ્મોમાં કામ કરતી મહિલા મૉડલોને એક વખતના શૂટિંગ માટે ૨૦૦૦થી ૫૦૦૦ રૂપિયા મળતા હતા. અમને એવી જાણ થઈ છે કે આ મૉડલ પૂરી પાડવા માટે કેટલાક દલાલો કામ કરતા હતા. અમે એ દલાલોની પણ શોધ ચલાવી રહ્યા છીએ. યુટ્યુબર્સ દ્વારા તેમની ચૅનલો પર પ્રેન્કના ઓઠા હેઠળ મુકાતી એ ફિલ્મો હજારો લોકો જોતા હતા અને એ યુટ્યુબર્સને એને કારણે લાખો રૂપિયાની કમાણી થતી હતી. ઘણી વખત તો મહિનાના ૨૦ લાખ રૂપિયા તેમને મળતા હતા. જોકે હજી આ તપાસ પ્રારંભિક તબક્કામાં છે. તેમનાં બૅન્ક-અકાઉન્ટ ચેક કર્યા બાદ આ વિડિયો દ્વારા તેમને ચોક્કસ કેટલી કમાણી થઈ હતી એ જાણી શકાશે.’

