મુંબઈ : સેલ્ફ-મેડિકેશન પ્રાણઘાતક બની શકે
કોવિડ ટેસ્ટ
છેલ્લાં બે અઠવાડિયાંથી કોરોના-ઇન્ફેક્શનના નવા કેસમાં અને મરણાંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના કુલ મરણાંકમાં મુંબઈનો સૌથી મોટો હિસ્સો નોંધાય છે. એનાં કારણોમાં કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો સહિતના નિષ્ણાતો કહે છે કે અનેક કિસ્સામાં દરદીઓ હૉસ્પિટલમાં જતાં પહેલાં ઘેરબેઠાં ઉપચાર અજમાવતા હોવાથી તેમની સ્થિતિ વણસતી રહે છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને ઍન્ડોક્રીનોલૉજિસ્ટ ડૉ. શશાંક જોશીએ જણાવ્યું કે ‘કોરોના-ઇન્ફેક્શનમાં મૃત્યુ પામનારાઓમાં ડાયાબિટીઝ અને હાઇપર ટેન્શન ધરાવતા સિનિયર સિટિઝન દરદીઓનું પ્રમાણ વધારે હોવાનું અમે નોંધ્યું છે, પરંતુ હૉસ્પિટલોમાં જવાને પ્રાધાન્ય આપવાને બદલે સેલ્ફ મેડિકેશનમાં સમય વેડફાટ પણ દરદીઓનાં મૃત્યુ માટે કારણભૂત બને છે.’
ટાસ્ક ફોર્સના અન્ય સભ્ય ડૉ. ઓમ શ્રીવાસ્તવે જણાવ્યું કે ‘કોરોના-ઇન્ફેક્શનનાં લક્ષણો સામાન્ય શરદી જેવાં હોવાથી ઘણા લોકો ટેસ્ટિંગમાં વિલંબ કરતા હોવાથી પણ ઘણા કેસ બગડતા હોય છે.’
ADVERTISEMENT
ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં મુંબઈમાં રોજના ૨૦૦૦ નવા કેસ નોંધાતા હતા. એ સંખ્યા મહિનાના અંત સુધીમાં ઘટીને ૧૦૦૦ પર પહોંચી હતી. છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના દરદીઓનો રોજિંદો મરણાંક ૪૦થી ૫૦ જેવો હતો એ હવે ઘટીને ૨૫ પર આવ્યો છે. હાલમાં પુણેને બાદ કરતાં અન્ય જિલ્લાઓમાં રોજના ૧૦ કરતાં ઓછાં મૃત્યુ નોંધાય છે.

