મુંબઈ : તમામ મુસાફરોને પ્રવાસ કરવા દો અથવા તમારી લોકલ પાછી લઈ લો
કુર્લા સ્ટેશન પર ઊભેલી એસી લોકલ. (તસવીર - સમીર અબેદી)
સેન્ટ્રલ રેલવે (સીઆર)એ એસી ટ્રેનો વિશે જાગૃતિ ફેલાવવા માટે અને લોકોને એનો ઉપયોગ કરવા માટે ઉત્તેજન આપવા સર્વે હાથ ધર્યો હતો તો બીજી તરફ ટ્રેનના મુસાફરોનો મત છે કે આ ટ્રેનો એક્સ્ટ્રા ચાર્જ વસૂલ્યા વિના તમામ પરવાનગીપાત્ર કૅટેગરી માટે અથવા સામાન્ય જનતા માટે અથવા તો ફર્સ્ટ ક્લાસના તમામ પૅસેન્જરો માટે ઉપલબ્ધ હોવી જોઈએ.
સીઆરના સર્વે દ્વારા પૅસેન્જરોને એસી ટ્રેનો પરિવહન માટેનો સૌથી સસ્તો વિકલ્પ હોવાનું સમજાવવાની કોશિશ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ટ્રેનમાં પ્રવાસ કરતા આકાશ જાધવે જણાવ્યું હતું કે ‘સીઆરે આમ કરવું જોઈએ. જો એ આમ ન કરી શકે તો એણે એસી લોકલ ટ્રેન પાછી ખેંચી લેવી જોઈએ અને આ શોપીસ માટે બંધ કરી દેવાયેલી રેગ્યુલર ટ્રેનોને પુનઃ શરૂ કરવી જોઈએ.’
પ્રવાસીઓમાં એ મામલે વધુ રોષ પ્રવર્તી રહ્યો છે કે હાલની ૧૦ રેગ્યુલર સર્વિસના સ્થાને ગોઠવવામાં આવેલી એસી ટ્રેનોનો ભાગ્યે જ કોઈ ઉપયોગ કરી શકે છે, જેને કારણે અન્ય ટ્રેનોમાં ભીડ એકઠી થાય છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે એસી ટ્રેનોની સાત ટ્રિપમાં માંડ બાવીસ પૅસેન્જરો હતા.
સેન્ટ્રલ રેલવે મુંબઈ ડિવિઝને શુક્રવારે સવારે એસી લોકલ્સમાં સર્વે ફૉર્મ આપ્યાં હતાં, પરંતુ એ સર્વે પ્રવાસીઓ શું ઇચ્છે છે એ જાણવા કરતાં આ ટ્રેનો વધુ સસ્તી છે અને માર્ગ પરના પ્રવાસ કરતાં વધુ આરામદાયક છે એ સમજાવવા માટે હાથ ધરાયો હોય એવું વધારે જણાતું હતું. સર્વેમાં જણાવ્યા અનુસાર સિંગલ પ્રવાસ માટે ચાર રૂપિયા પ્રતિ કિલોમીટર અને માસિક સીઝન ટિકિટ માટે કિલોમીટર દીઠ ૭૦ પૈસાનો ખર્ચ થાય છે.
તો બીજી તરફ કેટલાક પ્રવાસીઓ એસી ટ્રેનો મામલે આશાવાદી છે. ટ્રેનમાં મુસાફરી કરતા વિનીત કિણીએ જણાવ્યું હતું કે ‘એક વખત જરૂરી સેવાઓ સિવાયનાં ક્ષેત્રોના પ્રવાસીઓને ટ્રેન પ્રવાસની પરવાનગી અપાય ત્યાર બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.’
સીઆરના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ જનતાના પ્રતિભાવોની આકારણી કરીને ઍક્શન પ્લાન બાબતે નિર્ણય લેશે.
મુંબઈ એન્વાયર્નમેન્ટલ ઍન્ડ સોશ્યલ નેટવર્કના પરિવહન ક્ષેત્રના અનુભવી નિષ્ણાત અશોક દાતારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કદાચ આપણે આ ટ્રેનોમાં પુરુષોને પ્રવાસની અનુમતિ આપી શકીએ છીએ. બીજું, સિંગલ મુસાફરીનું ભાડું ઘટાડવું જોઈએ જેથી ટ્રેનો સાવ ખાલીખમ ન રહેતાં અડધી ભરાઈ શકે.’

