બૉલીવુડમાં જ ડાન્સર તરીકે કામ કરતી યુવતીએ કરી છે ફરિયાદ
ગણેશ આચાર્ય
બૉલીવુડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સામે આંબોલી પોલીસ સ્ટેશનમાં ૨૦૨૦માં છેડતીનો ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ એ કેસ ઓશિવરા પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એ કેસમાં હવે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. બૉલીવુડમાં જ ડાન્સર તરીકે કામ કરતી યુવતીએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે ‘ગણેશ આચાર્ય તેને પોતાના લૅપટૉપ પર બળજબરીથી પૉર્ન ફિલ્મ દેખાડતો હતો અને જો તે તેની માગણીઓ સંતોષશે તો જ તેને ફિલ્મોમાં કામ અપાવશે એવી ધમકી આપતો હતો. યુવતીએ કરેલા આક્ષેપ મુજબ તે ગણેશ આચાર્યની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ ત્યારે ગણેશ આચાર્યની બે મહિલા સ્ટાફ-મેમ્બરે તેને એમ કરતી રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેના પર હુમલો કર્યો હતો.’
યુવતીએ તેની ફરિયાદમાં ગણેશ આચાર્ય પર છેડતી, જાતીય અત્યાચાર, અભદ્ર વર્તણૂક, ઈજા પહોંચાડવી અને ગુનાહિત ઇરાદો ધરાવતો હોવાના આક્ષેપ કર્યા હતા. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે ‘એ ઘટના ૨૦૦૯માં બની હતી. તે એ વખતે જુનિયર ડાન્સર તરીકે એક પ્રોજેક્ટ પર ગણેશ આચાર્ય સાથે કામ કરતી હતી. તે તેના મહેનતાણાના લેવાના નીકળતા ૨૫,૦૦૦ રૂપિયા લેવા ગઈ હતી. એ વખતે ગણેશ આચાર્યએ તેને પૈસા આપ્યા નહોતા અને બળજબરી પોતાના લૅપટૉપ પર પૉર્ન ફિલ્મ અને ફોટોગ્રાફ્સ બતાવ્યાં હતાં. એ પછી તે ગણેશ આચાર્યને ફરી એમ ન કરવાનું કહીને તેની ઑફિસમાંથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ પણ તે પેમેન્ટ લેવા ત્રણ વખત તેની ઑફિસે ગઈ હતી અને દર વખતે તે એ જ રીતે વર્તતો હતો.’

