વિધાનસભામાં પહેલા ભાષણમાં સૌથી યંગ વિધાનસભ્ય રોહિત પાટીલે આવું કહ્યું ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખડખડાટ હસી પડ્યા
રોહિત પાટીલ, દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પેશ્યલ સેશનના ગઈ કાલે ત્રીજા દિવસે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના સાંગલી જિલ્લાની તાસગાવ-કવઠે મહાકાળ બેઠકના સૌથી યંગ વિધાનસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન આર. આર. પાટીલના પુત્ર રોહિત પાટીલે ગઈ કાલે પહેલું ભાષણ કર્યું હતું. આ ભાષણમાં રોહિત પાટીલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિશે એક મરાઠી ભજનની પંક્તિઓ સંભળાવતાં વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસ સહિત બધા ખડખડાટ હસી પડ્યા હતા. રોહિત પાટીલે ઍડ્વોકેટ રાહુલ નાર્વેકરની વિધાનસભાના સ્પીકર તરીકે નિમણૂક થવા બદલ શુભેચ્છા આપ્યા બાદ કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તમને પણ અભિનંદન. ‘અમૃતા’હૂન હી ગોડ નાવ તુઝં દેવા એવું સંતોએ કહ્યું છે. આથી તમે આવી સારી વર્તણૂક અમારી સાથે રાખો એવી દેવેન્દ્ર ફડણવીસ સાહેબ તમને વિનંતી છે.’
દેવેન્દ્ર ફડણવીસનાં પત્નીનું નામ અમૃતા છે અને દેવેન્દ્ર ફડણવીસને બધા દેવાભાઉ કહેતા હોવાથી રોહિત પાટીલે આ પંક્તિનો ઉપયોગ કર્યો હતો જે ગઈ કાલે ચર્ચાનો વિષય બન્યું હતું. આમ તો રોહિત પાટીલે કહેલી વાતનો અર્થ થાય છે : અમૃત કરતાં પણ તારું નામ મીઠું છે ભગવાન.

