પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા દર પાંચ વર્ષે દેશભરમાં પશુઓની જનગણના હાથ ધરવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)
દેશભરમાં પશુધનની ગણના કરવામાં આવે છે એના ભાગરૂપે મુંબઈમાં સપ્ટેમ્બરથી શ્વાન, બિલાડીઓ અને પક્ષીઓની ગણના કરવાની શરૂઆત થશે જે ડિસેમ્બર સુધી ચાલશે. મુંબઈમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને રાજ્યનું પશુપાલન ખાતું સાથે મળીને આ કામ કરશે. મુંબઈનાં ઘરોમાં કેટલાં પાળેલાં પશુ છે એની માહિતી મેળવવા માટે વિવિધ ટીમો મુંબઈના તમામ વૉર્ડમાં આવેલાં ઘરોની મુલાકાત લેશે. પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા દર પાંચ વર્ષે દેશભરમાં પશુઓની જનગણના હાથ ધરવામાં આવે છે. છેલ્લે ૨૦૧૯માં આવી જનગણના કરવામાં આવી હતી.
મુંબઈમાં પાળેલાં પશુઓની સાથે રસ્તામાં રઝળતાં પ્રાણીઓની ગણના કરવા માટે હાઉસિંગ સોસાયટીઓની કમિટીના પદાધિકારીઓ અને સભ્યોને ગણના કરવા આવનારા લોકોને સોસાયટીમાં પ્રવેશ આપવાની વિનંતી પશુપાલન વિભાગના ડેપ્યુટી કમિશનર ડૉ. શૈલેશ પેઠેએ કરી છે.