માથેરાનમાં હાથરિક્ષાનો ધંધો બંધ થવાને આરે
માથેરાનમાં ચલાવાતી હાથરિક્ષા સામાન્ય રીતે બે વ્યક્તિ ચલાવે છે. એક આગળ રહીને રિક્ષા ખેંચે છે અને બીજો પાછળથી ધક્કો મારે છે
માથેરાનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી રહ્યા હોવા છતાં ત્યાંનો હાથરિક્ષાનો વ્યવસાય બંધ થવાને આરે આવીને ઊભો છે. લૉકડાઉન પહેલાં કાર્યરત ૯૪ રિક્ષામાંથી હવે માત્ર ૨૫ હાથરિક્ષા કાર્યરત છે. યવતમાળ જિલ્લામાંથી આવતા હતા એ પરંપરાગત શ્રમિકોએ લૉકડાઉન અને મહામારીના ભયથી પાછા આવવાનો ઇનકાર કરી દીધો છે.
અમે લગભગ બે પેઢીથી આ કામ કરીએ છીએ અને આ ઉદ્યોગને આ રીતે બંધ થતો જોઈ શકતા નથી. અહીંના પર્વતોમાં હાથરિક્ષા ખેંચવી એ ભારે પરિશ્રમ માગી લેતું કામ છે અને એમાં ખાસ પૈસા મળતા નથી. ધૂળ અને મજૂરીને કારણે અમે વારંવાર બીમાર પણ પડીએ છીએ. નવી પેઢી આ વ્યવસાય અપનાવવાનું પસંદ નહીં કરે એમ ૨૯ વર્ષથી હાથરિક્ષા ચલાવતા ગણપત રંજનેએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
શ્રમિક રિક્ષા સંઘટનાના વડા સુનીલ શિંદેએ જણાવ્યું હતું કે મોટા ભાગના શ્રમિકો યવતમાળના હતા અને તેઓ પાછા ન આવતાં આ સમગ્ર હાથરિક્ષા વ્યવસાય ધીમે-ધીમે અંત તરફ આગળ ધપી રહ્યો છે. વર્તમાન શ્રમિકો સ્થાનિક આદિવાસીઓ છે અને લાંબા સમયના રહેવાસીઓ છે. લૉકડાઉન ઉઠાવાયું ત્યારથી ૨૭,૦૦૦ કરતાં વધારે પ્રવાસીઓએ માથેરાનની મુલાકાત લીધી છે અને ૨૫ હાથરિક્ષા ઓછી પડે છે. સિનિયર સિટિઝન અને મહિલાઓને અસુવિધા થઈ રહી છે.
બિનભરોસાપાત્ર ટ્રેન સર્વિસે અહીંના લોકોની આજીવિકાને પ્રભાવિત કરી છે અને હવે તેમને વિકલ્પની જરૂર છે. ટ્રેન ૨૦૦૫માં અને ત્યાર બાદ ૨૦૧૬માં અને હવે ફરી બંધ થઈ છે. આથી અમને વધુ ભરોસાપાત્ર વિકલ્પો જોઈએ છે. ઘોડાગાડીના માલિકો અને હાથરિક્ષા ચલાવનારા લોકોને બહેતર વિકલ્પ જોઈએ છે. માથેરાન ઇકો-સેન્સિટિવ ઝોન હોવાથી અમે ઈ-રિક્ષાની દરખાસ્ત રજૂ કરી છે. ઈ-રિક્ષા સલામત છે, પર્યાવરણ માટે જોખમી નથી અને ઝડપી પરિવહન માટે ઉપયોગી છે. એ અમને પરિવહન માટેનો વધુ ભરોસાપાત્ર વિકલ્પ પૂરો પાડશે એમ શિંદેએ જણાવ્યું હતું.


