EVM સામે અવાજ ઉઠાવનારા ગામ મારકરવાડીમાં BJPના ગોપીચંદ પડળકરની જીભ લપસી , સામા પક્ષે શરદ પવારની પાર્ટીના સ્થાનિક વિધાનસભ્યએ પણ કહ્યું કે ગોપીચંદ પડળકર જેવા પાંચ ઉંદરનો શરદ પવારસાહેબ રોજ સવારે નાસ્તો કરે છે
શરદ પવારને જવાબ આપવા ગઈ કાલે BJPના ગોપીચંદ પડળકર અને સદાભાઉ ખોત મારકરવાડી ગયા હતા અને સભા યોજી હતી.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માળશિરસ વિધાનસભા મતદારસંઘમાં આવેલા મારકડવાડી ગામે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) સામે અવાજ ઉઠાવતાં આ ગામ અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. રવિવારે શરદ પવારે આ ગામની મુલાકાત લઈને ગામના લોકોની પ્રશંસા કરી હતી તો ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય અને ધનગર સમાજના અગ્રણી ગોપીચંદ પડળકર અને વિધાન પરિષદના સભ્ય સદાભાઉ ખોતે આ ગામની મુલાકાત કરી હતી. ગોપીચંદ પડળકરે શરદ પવારની સરખામણી મહાભારતના શકુનિ સાથે કરી હતી. ગોપીચંદ પડળકરે કહ્યું હતું કે ‘૧૦૦ શકુનિ મર્યા બાદ એક શરદ પવારનો જન્મ થયો છે. આ મતદારસંઘમાં ૧૦૦ ગામ છે, પણ શરદ પવારે મારકવાડીની પસંદગી કરી. ધનગર સમાજ લોકશાહીમાં માનતો નથી એ બતાવવા માટે શરદ પવારે આ નાટક કર્યું છે. ધનગર સમાજને બદનામ કરનારા શરદ પવાર અને તેમના સહયોગીઓેએ જ પચાસ વર્ષથી રાજયમાં દરેક જાત વચ્ચે ફૂટ પાડીને રાજ કર્યું છે. મારકડવાડીમાં આવ્યા બાદ શરદ પવારની અક્કલ ખતમ થઈ ગઈ છે. મારું તેમને આહ્વાન છે કે તેઓ ચૂંટણી કેવી રીતે થાય છે એ વિશે વિધાનસભ્યોને પ્રશિક્ષણ આપીને મેદાનમાં આવે. EVMમાં કેવી રીતે ગોટાળો કરવામાં આવ્યો છે એ કહે.’
જોકે ગોપીચંદ પડાળકરે શરદ પવારની આકરા શબ્દોમાં ટીકા કર્યા બાદ માળશિરસ બેઠકના વિધાનસભ્ય ઉત્તમ જાનકરે જોરદાર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગોપીચંદ પડળકર જેવા પાંચ ઉંદરનો શરદ પવારસાહેબ સવારનો નાસ્તો કરે છે.

