BJPનો રસ્તો અહીં પૂરો નથી થતો, અહીંથી શરૂ થાય છે. BJPની મહત્ત્વાકાંક્ષા ભવિષ્યમાં એકલા હાથે સરકાર ચલાવવાની છે. આ જીતમાં ભલે શિંદેસેના અને અજિત પવારને પણ ફાયદો થયો હોય, પરંતુ આગામી દિવસો-વર્ષોમાં તેઓ પણ હાંસિયામાં ધકેલાઈ જાય તો નવાઈ નહીં
ગઈ કાલે નાગપુરમાં વિજયી મૂડમાં BJPના કાર્યકર્તાઓ.
મહારાષ્ટ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ માત્ર વિરોધ પક્ષો સામે જીત હાંસલ નથી કરી, એણે એના જ સહયોગીઓ શિંદેસેના અને અજિત પવારની પાર્ટી સામે પોતાનો ઝંડો ફરકાવ્યો છે. મહારાષ્ટ્રમાં BJP સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી છે. આ એનું અત્યાર સુધીનું સૌથી બહેતર પ્રદર્શન છે. BJPની બેઠકોનો આંકડો વિપક્ષી મહા વિકાસ આઘાડી (કૉન્ગ્રેસ, ઠાકરેસેના અને પવાર જૂથ)ની સંયુક્ત બેઠકો કરતાં બમણાથી વધુ છે. કૉન્ગ્રેસનો દેખાવ સૌથી કંગાળ રહ્યો છે.