સૂત્રોએ જણાવ્યા મુજબ બીએમસીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકોને સભામાં લાવવા માટે નેતાઓને ટાર્ગેટ અપાયો
બીકેસીના ગ્રાઉન્ડમાં ચાલી રહેલી તૈયારીઓની તપાસ કરી રહેલા અધિકારીઓ
રાજ્યમાં એકનાથ શિંદેની આગેવાનીમાં બીજેપીના સમર્થનથી બનેલી સરકાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત મુંબઈ આવી રહ્યા છે. વડા પ્રધાનના હાથે વિવિધ કામની શરૂઆત કરવાની સાથે ૧૯ જાન્યુઆરીએ એટલે કે ગુરુવારે બીકેસીમાં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં જંગી મેદની લાવવા માટે બીજેપી અને એકનાથ શિંદે જૂથના નેતાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મુંબઈ આવી રહ્યા છે અને તેમની એક મોટી જાહેર સભાનું આયોજન બીકેસીના મેદાનમાં કરવામાં આવ્યું છે ત્યારે આ નિમિત્તે બીજેપી અને એકનાથ શિંદે જૂથના નેતાઓની ગઈ કાલે એક બેઠક બોલાવવામાં આવી હતી. સૂત્રો મુજબ આ બેઠકમાં તમામ નેતાઓને પોતાના વિસ્તારના લોકોને બીકેસીના મેદાનમાં મોટા પ્રમાણમાં લાવવાની સૂચના આપવામાં આવી હતી. જાહેર સભા માટે બીજેપીને એક લાખ અને એકનાથ શિંદે જૂથને ૫૦,૦૦૦ કાર્યકરોને બીકેસીમાં લાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એકનાથ શિંદે જૂથનું મુંબઈમાં ખાસ અસ્તિત્વ નથી એટલે થાણે અને મુંબઈ નજીકના વિસ્તારમાંથી લોકોને લાવવામાં આવશે, જ્યારે બીજેપી માટે એક લાખ કાર્યકરોને એકત્રિત કરવામાં કોઈ મુશ્કેલી નહીં થાય એવું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
એકનાથ શિંદે જૂથનાં પ્રવક્તા શીતલ મ્હાત્રેએ એકનાથ શિંદે જૂથ અને બીજેપીના નેતાઓની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીકેસી મેદાનમાં થનારી જાહેર સભા બાબતે એક ટ્વીટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘વડા પ્રધાનની મુંબઈની મુલાકાત સંબંધતે એકનાથ શિંદે જૂથ અને બીજેપીના નેતઓની એક બેઠકનું આયોજિન કરવામાં આવ્યું હતું, જેમાં દીપક કેસરકર અને આશિષ શેલાર સહિતના નેતાઓ તેમ જ અનેક વિધાનસભ્યો અને નેતાઓ હાજર રહ્યા હતા.’
ગુરુવારે આયોજિત કરવામાં આવેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભાને અભૂતપૂર્વ કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુંબઈ બીએમસીની ચૂંટણીનું રણશિંગું આ બેઠકમાંથી ફૂંકવામાં આવે એવી શક્યતા છે. મુંબઈ બીએમસી કબજે કરવા માટે બીજેપીએ કમર કસી છે એટલે વડા પ્રધાનની જાહેર સભા વખતે મુંબઈમાં હાજર રહી શકે એ માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમનો દાવોસનો પ્રવાસ રદ કર્યો હોવાનું કહેવાય છે.
મુંબઈમાં સિમેન્ટના રસ્તા બનાવવાનો પ્રસ્તાવ કોણ લાવ્યું?: આદિત્ય ઠાકરે
મુંબઈને ખાડામુક્ત કરવા માટે તાજેતરમાં જ મુંબઈ બીએમસીએ ૩૯૭ કિલોમીટરના રસ્તાને સિમેન્ટના બનાવવા માટેનાં ટેન્ડર જારી કર્યાં હતાં. આ ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળો કરવાનો આરોપ યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ કર્યો હતો. ગઈ કાલે તેમણે સવાલ કર્યો હતો કે સિમેન્ટના રસ્તા બનાવવાનો પ્રસ્તાવ કોણ લાવ્યું? પત્રકારો સાથેની વાતચીતમાં આદિત્ય ઠાકરેએ એવો સવાલ પણ કર્યો હતો કે આ પ્રોજેક્ટ કેટલા સમયમાં પૂરો થશે એ કોઈ જાણે છે? મુંબઈ બીએમસીમાં અત્યારે કોઈ મેયર કે સ્ટૅન્ડિંગ કમિટી નથી ત્યારે એક પ્રશાસક સિમેન્ટના રસ્તાના કામને કેવી રીતે મંજૂર કરી શકે? મુંબઈમાં પેડર રોડ અને મરીન ડ્રાઈવ જેવા વિસ્તારમાં ડામરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે જે ઘણી સારી સ્થિતિમાં છે. આ સિવાય શહેરની નાની-નાની ગલીઓમાં વર્ષોથી ડામરના રસ્તા બનાવવામાં આવે છે તો અહીં સિમેન્ટના રસ્તા બનાવવાની શું જરૂર છે?’ ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ૬૦૦૦ કરોડ રૂપિયાના સિમેન્ટના રસ્તા બનાવવા માટે આપવામાં આવેલી ટેન્ડર-પ્રક્રિયામાં ગોટાળો કરવામાં આવ્યો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ચોક્કા-છગ્ગા ફટકાર્યા
સાતેક મહિના પહેલાં શિવસેનામાં બળવો કરીને એકાએક મુખ્ય પ્રધાન બની ગયેલા એકનાથ શિંદેએ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. આવી જ રીતે રવિવારે થાણેમાં આયોજિત ક્રિકેટ મૅચમાં એકનાથ શિંદેએ ચોક્કા-છગ્ગા ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા. થાણેમાં બાળાસાહેબાંચી શિવસેના પક્ષ દ્વારા ‘ધર્મવીર આનંદ દીઘે સાહેબ સ્પર્ધા ૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે મુખ્ય પ્રધાન એકનાથ શિદે અહીં હાજર રહ્યા હતા. કાર્યકરોએ તેમને ક્રિકેટ રમવાનો આગ્રહ કરતાં એકનાથ શિંદેએ બેટ હાથમાં પકડ્યું હતું અને જોરદાર બૅટિંગ કરી હતી. તેમણે દરેક બૉલને બાઉન્ડરીની બહાર મોકલી દીધો હતો. મુખ્ય પ્રધાનને આટલું સારું ક્રિકેટ રમતા જોઈને મેદાનમાં હાજર ખેલાડીઓએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. દિવસે ક્રિકેટ રમ્યા બાદ એકનાથ શિંદે સ્વિટ્ઝરલૅન્ડમાં આવેલા દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં સામેલ થવા માટે રવાના થયા હતા.
૩૫૦ કરોડનાં ત્રીસ-ત્રીસ કૌભાંડમાં વિરોધ પક્ષના નેતાનું નામ?
ઔરંગાબાદ જિલ્લામાં ખેડૂતોને વધુ વળતર અપાવવાના નામે ગયા વર્ષે ૩૫૦ કરોડ રૂપિયાના ત્રીસ-ત્રીસ કથિત કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચ અને ઈડીને ત્રણ ડાયરી મળી છે, જેમાં રાજ્યના કેટલાક નેતાઓનાં નામ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ નામોમાં રાજ્યની વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેનો પણ સમાવેશ હોવાનું કહેવાય છે. જોકે આ સમાચાર વહેતા થયા બાદ અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે ડાયરીમાં બીજો કોઈ દાનવે હશે, મારે આ સાથે કોઈ લેવાદેવા નથી. પોલીસના હાથમાં લાગેલી ત્રણ ડાયરીમાં એનસીપી અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના અનેક સ્થાનિક નેતાઓ અને કાર્યકરોનાં નામ લખવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ઔરંગાબાદમાં એક સરકારી પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન મેળવીને તેમને મસમોટું વળતર ચૂકવવામાં આવ્યું હતું. આ વાતનો ફાયદો લઈને સંજય રાઠોડ સહિત બે આરોપીની ગયા વર્ષે ધરપકડ કરાઈ હતી. તપાસમાં આ મામલો મોટો હોવાનું ધ્યાનમાં આવતાં બાદમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચ અને હવે ઈડીને સોંપવામાં આવી છે.