મંગલ પ્રભાત લોઢાએ એવું કેમ કહ્યું કે...
મંગલ પ્રભાત લોઢા
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા કોઈ ને કોઈ કારણથી ચર્ચામાં હોય છે. ગઈ કાલે તેઓ ફરી ચર્ચામાં આવ્યાં હતાં, જ્યારે BJPના મલબાર હિલ વિસ્તારના વિધાનસભ્ય અને મુંબઈ સબર્બ્સના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ અમૃતા ફડણવીસને મૅમ નહીં પણ મા અમૃતા કહ્યું હતું. ગણેશોત્સવ પછી ગણેશમૂર્તિના વિસર્જન બાદ દર વર્ષે અમૃતા ફડણવીસના દિવ્યાજ ફાઉન્ડેશન દ્વારા બીચ પર સ્વચ્છતા કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. ગઈ કાલે સવારે ૭ વાગ્યે વર્સોવા બીચ પર આવી ઝુંબેશ હાથ ધરવામાં આવી ત્યારે અમૃતા ફડણવીસ, મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર, વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા, અૅક્ટર આયુષમાન ખુરાના અને મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકર ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમયે મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે ‘હું અમૃતા ફડણવીસને વિનંતી કરું છું કે તમે ચોપાટી પરની કચરાની સફાઈ કરો છે એ સારી વાત છે, તમે રાજ્યના રાજકારણમાં જે કચરો આવ્યો છે એ સાફ કરવા આગળ આવો. અમૃતા ફડણવીસે માતાનું રૂપ ધારણ કર્યું છે. યુવક-યુવતીઓ માટે પણ તેઓ કામ કરે છે એટલે હું આજથી તેમને મૅમ અમૃતા નહીં, મા અમૃતા ફડણવીસ કહીશ.’