રવિવારે કાંદાના નિકાસ પ્રતિબંધને આંશિક રીતે પાછો ખેંચવાના નિર્ણય બાદ અચાનક અધિકારીઓએ અછત અને ભાવવધારાનો ભય બતાવીને કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ એની ૩૧ માર્ચની સમયમર્યાદા સુધી ચાલુ રહેશે એવી કરી જાહેરાત
કાંદાની પ્રતીકાત્મક તસવીર
સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ આંશિક રીતે હટાવવાની તૈયારી શરૂ કર્યા બાદ સોમવારે મહારાષ્ટ્રની જથ્થાબંધ બજારમાં કાંદાના ભાવ ૬૦૦ રૂપિયા વધીને સરેરાશ ૧૮૫૦ રૂપિયા ક્વિન્ટલ થયા હતા. જોકે સોમવારે કાંદાની કિંમત એક જ દિવસમાં અંદાજે ૪૧ ટકા વધી જતાં સરકારે ભાવને નિયંત્રણ રાખવા અને સ્થાનિકમાં કાંદાના સ્ટૉકને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ એની અગાઉની કરેલી ૩૧ માર્ચની સમયમર્યાદા સુધી ચાલુ રહેશે એવી જાહેરાત સાથે કાંદાની હોલસેલ માર્કેટ ફરીથી તૂટી ગઈ હતી. કાંદાના વેપારીઓ અને ખેડૂતો કહે છે કે સરકારની આ નીતિથી અમે આર્થિક સંકટમાં આવી જવાની પૂરી શક્યતા છે.