મંગળવારે પહેલા દિવસે પણ નાની-મોટી ટેક્નિકલ ખામી સર્જાઈ હતી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મંગળવારથી શરૂ કરવામાં આવેલી આરે JVLRથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સુધીની મેટ્રો 3માં ગઈ કાલે સહાર રોડ સ્ટેશને ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેને લીધે ધસારાના સમયે ટ્રેનો ૩૦થી ૩૫ મિનિટ મોડી દોડતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સહાર રોડ સ્ટેશને મેટ્રો ટ્રેન પહોંચ્યા બાદ દરવાજો બંધ ન થતો હોવાથી મેટ્રો ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. સ્ટેશન પર ઊભેલી મેટ્રો રેલનો દરવાજો ખુલ્લો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. સવારના ૯.૩૦ વાગ્યે પોસ્ટ કરવામાં આવેલો વિડિયો જોઈને લોકોએ નવી ટ્રેનમાં આવી સમસ્યા ઊભી થવા સામે સવાલ કર્યા હતા. ટ્રેન શા માટે અટકાવવામાં આવી છે એની કોઈ અનાઉન્સમેન્ટ કરવામાં નહોતી આવી એટલે ટ્રેન ક્યારે ચાલુ થશે અને થશે કે નહીં એ વિશે કોઈ સ્પષ્ટતા ન કરી હોવાની ફરિયાદ લોકોએ કરી હતી. મંગળવારે પહેલા દિવસે પણ નાની-મોટી ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જે બાદમાં દૂર કરવામાં આવી હતી.