એમએમઆરડીએ બીકેસીમાં અર્બન પ્લાઝામાં રેસ્ટોરાં અને ફૂડ-સ્ટૉલ્સને જગ્યા ફાળવશે
ફાઇલ તસવીર
બીકેસીમાં ફેરિયાઓ અલાઉડ નથી એટલે સ્ટ્રીટ-ફૂડ મળતું નથી. બીકેસીમાં આવેલી કૉર્પોરેટ ઑફિસો અને બૅન્કો સાથે સરકારી ઑફિસોમાં પણ હજારો લોકોનો સ્ટાફ કામ કરે છે અને હજારો લોકો રોજ વિઝિટર્સ તરીકે પણ આવે છે. અહીં જે કૅફેટેરિયા એરિયા છે એ બહુ જ નાનો અને ઓછા પ્રમાણમાં છે એટલે લોકોએ ફૂડ પ્રોવાઇડ કરતી ચેઇન પર આધાર રાખવો પડે છે અથવા વૈભવી હોટેલમાં જઈ મોંઘી આઇટમો ખરીદીને ખાવી પડે છે. જોકે હવે એમએમઆરડીએ બીકેસીમાં પણ ખિસ્સાંને પરવડી શકે એવા રેટમાં ફૂડ-આઇટમ મળી શકે એ માટે અર્બન પ્લાઝામાં રેસ્ટોરાં અને ફૂડ-સ્ટૉલ્સને જગ્યા ફાળવશે.
એમએમઆરડીએ દ્વારા આ ફૂડ કોર્ટ બીકેસીના ‘જી’ બ્લૉકમાં બાંદરા-કુર્લા લિન્ક રોડ પર એશિયન હાર્ટ હૉસ્પિટલની બાજુમાં ખોલવામાં આવશે. આ ફૂડ કોર્ટ ઑફિસ ટાઇમ પછી પણ ધમધમતી રહેશે એવી એમએમઆરડીએને આશા છે. અબર્ન પ્લાઝામાં માત્ર રેસ્ટોરાં કે ફૂડ-સ્ટૉલ જ નહીં, દુકાનો અને સુપરમાર્કેટ્સ માટે પણ જગ્યા ફાળવવામાં આવશે. એથી લોકો ત્યાં શાંતિથી ખરીદી કરી શકશે અને તેમને પરવડે એવી પેટપૂજા પણ કરી શકશે.

