મૃત્યુનું રહસ્ય હજી અકબંધ
સોમનાથ સિંહ
નેરુળમાં આવેલી એક મૅરિટાઇમ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટના હૉસ્ટેલ બિલ્ડિંગની નીચેથી ૧૯ વર્ષના એક ટ્રેઇની કૅડેટનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ શંકાસ્પદ મોતના મામલે પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીની ઓળખ સોમનાથ સિંહ તરીકે થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે વહેલી સવારે આશરે પાંચ વાગ્યે હૉસ્ટેલના પરિસરમાં સોમનાથનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. સોમનાથ સિંહ આ સંસ્થામાં મરીન કૅડેટનો કોર્સ કરી રહ્યો હતો. આ આકસ્મિક મોતનાં ચોક્કસ કારણો હજી સુધી જાણી શકાયાં નથી. સોમનાથે ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે, તે આકસ્મિક રીતે નીચે પડી ગયો છે કે પછી એની પાછળ અન્ય કોઈ શંકાસ્પદ કારણ છે એ વિશે પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
ડાયરીમાંથી તાણનો ઉલ્લેખ મળ્યો
પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘તપાસ દરમ્યાન પોલીસને સોમનાથની એક ડાયરી મળી આવી છે, જેમાં તેણે પોતે સ્ટ્રેસમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત કોઈ મહત્ત્વના પુરાવા કે કડી મેળવવા માટે તેનો મોબાઇલ ફોન પણ જપ્ત કરીને સાઇબર સેલની મદદથી એની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.’
