આરોપીઓને શોધવા માટે ૧૫ અધિકારીઓ અને ૮૦ કૉન્સ્ટેબલની ટીમ બનાવવામાં આવી: ક્રાઇમ પૅટ્રોલ સિરિયલ જોઈને આ ઘટનાને અંજામ આપનારી ગૅન્ગની પોલીસે કરી ધરપકડ: આરોપીઓએ પોલીસ પર નજર રાખવા બે લોકોને પોલીસ-સ્ટેશનની બહાર ઊભા રાખ્યા હતા
આરોપીઓ પાસેથી જપ્ત કરેલી વસ્તુઓ સાથે અંબરનાથ પોલીસની ટીમ.
અંબરનાથમાં રહેતા ડેવલપર સંજય શેળકેના ૨૦ વર્ષના પુત્રને કિડનૅપ કરીને ૪૦ કરોડ રૂપિયાની ખંડણી માગનાર મુંબઈ ફાયર-બ્રિગેડ સાથે જોડાયેલા દત્તાત્રય પવાર સહિત ૧૦ લોકોની અંબરનાથ પોલીસ અને ઉલ્હાસનગર ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે ધરપકડ કરી હતી. આરોપી દત્તાત્રય પર દેવું વધી જવાથી તેણે પોતાની જ સોસાયટીમાં રહેતા સંજય શેળકેના પુત્ર પર બારીકાઈથી નજર રાખી પ્લાન બનાવીને ૨૪ સપ્ટેમ્બરે સવારે તેને કિડનૅપ કર્યો હતો એટલું જ નહીં, પોલીસ પર નજર રાખવા માટે બે લોકોને પોલીસ-સ્ટેશનની બહાર ઊભા રાખ્યા હતા. આ તમામ પ્લાન તેણે ક્રાઇમ પૅટ્રોલ સિરિયલ જોઈને બનાવ્યો હોવાનો પોલીસે દાવો કર્યો છે.
આરોપીઓને શોધવા માટે ૧૫ અધિકારીઓ અને ૮૦ કૉન્સ્ટેબલની ટીમ બનાવવામાં આવી હતી એમ જણાવતાં અંબરનાથ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર કિશોર શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડેવલપરના પુત્રને કિડનૅપ કરીને પહેલાં તેના ફોનમાંથી તેના પિતાને ફોન કરીને ૪૦ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જોકે એટલા બધા પૈસા ન હોવાનું કહેતાં બે કરોડ રૂપિયા લેવા આરોપીઓ તૈયાર થઈ ગયા હતા. ત્યાર પછી આરોપીઓએ ઓલા કૅબ બુક કરી એમાં પૈસા રાખી ઓલા ડ્રાઇવરનો નંબર શૅર કરવા કહ્યું હતું. એ મુજબ ડેવલપરે કર્યું હતું. જોકે ઓલા કૅબ પાછળ અમારી એક ટીમ વૉચ પર હતી. એની સાથે કૉલ-ડેટા કાઢતાં જ્યાંથી ફોન આવ્યો હતો એ ભિવંડીનું લોકેશન મળ્યું હતું. અમારી ટીમે ત્યાં પહોંચીને એક આરોપીને તાબામાં લીધો હતો. તેની મદદથી અમે બીજા આરોપીઓ સુધી પહોંચી ગયા હતા. આ કેસમાં માસ્ટરમાઇન્ડ દત્તાત્રય પવાર છે. તેના પર દેવું વધી જવાથી તેણે આવું કર્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આરોપીઓએ ડેવલપરને ડરાવવા માટે રમકડાની બંદૂક પણ ખરીદી હતી. હાલમાં અમે કિડનૅપ થયેલા યુવાનને છોડાવીને તેના પરિવારને સોંપી દીધો છે.’