Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાન સાથેના યુદ્ધમાં ટ્રમ્પ હવે કરેંગે યા મરેંગે તરફ

ઈરાન સાથેના યુદ્ધમાં ટ્રમ્પ હવે કરેંગે યા મરેંગે તરફ

Published : 21 March, 2026 10:05 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૨૦૦ મરીન-કમાન્ડો સાથે અમેરિકી યુદ્ધજહાજ ત્રિપોલી હોર્મુઝની ખાડી તરફ રવાનાઃ નિષ્ણાતોના મતે અમેરિકા હવે હોર્મુઝ સ્ટ્રેટ અને ખાર્ગ ટાપુ કબજે કરવાની વેતરણમાં છે

સશસ્ત્ર USS ત્રિપોલી યુદ્ધજહાજ મિડલ-ઈસ્ટની ખાડી તરફ આગળ વધી રહ્યું છે

સશસ્ત્ર USS ત્રિપોલી યુદ્ધજહાજ મિડલ-ઈસ્ટની ખાડી તરફ આગળ વધી રહ્યું છે


ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે છેલ્લા ૨૧ દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં હવે ગંભીર સમીકરણો ઉમેરાયાં છે અને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન સામે સીધો જમીની જંગ છેડવાની આખરી તૈયારીમાં હોવાના પ્રબળ સંકેતો મળ્યા છે.

કેટલીક સૅટેલાઇટ તસવીરોમાં અમેરિકાનું અત્યંત શક્તિશાળી ઍમ્ફિબિયસ ઍસોલ્ટ વૉરશિપ USS ત્રિપોલી હિન્દ મહાસાગરમાં મધ્ય-પૂર્વ તરફ ઝડપથી આગળ વધતું જોવા મળ્યું છે. આ યુદ્ધજહાજ પર જપાનના ઑકિનાવા સ્થિત ૩૧મી મરીન એક્સપિડિશનરી યુનિટના ૨૨૦૦ જેટલા અત્યંત તાલીમબદ્ધ મરીન-કમાન્ડો સવાર છે. તેઓ દરિયાઈ માર્ગે દુશ્મન દેશની ધરતી પર ઊતરીને હુમલો કરવામાં માહેર માનવામાં આવે છે.



સંરક્ષણ-નિષ્ણાતોના મતે ડોનલ્ડ ટ્રમ્પના આ આક્રમક વલણ પાછળ બે મુખ્ય વ્યૂહાત્મક કારણો જવાબદાર બન્યાં છે. પ્રથમ કારણ વૈશ્વિક અર્થતંત્ર માટેની જીવાદોરી સમાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) છે જેના પર ઈરાને જબરદસ્ત નાકાબંધી કરી દીધી છે અને એની માઠી અસર વિશ્વના તેલ અને ગૅસના પુરવઠા પર પડી છે અને ક્રૂડના ભાવ ભડકે બળી રહ્યા છે. ટ્રમ્પ હવે આ હોર્મુઝની ખાડીને યાતાયાત માટે ખૂલી કરાવવા અધીરા બન્યા હોય એ સ્વાભાવિક છે.


હવે અમેરિકા ઈરાનના દરિયાકાંઠાના વિસ્તારો પર સીધો સૈનિકી કબજો મેળવવા માગે છે. આ ઉપરાંત ઈરાનના દક્ષિણી ટાપુઓ પર પણ અમેરિકી કમાન્ડો ઉતારીને ત્યાં સુરક્ષાકવચ ઊભું કરવાની યોજના પણ અમેરિકાએ કરી છે જેથી ક્રૂડ ઑઇલનાં ટૅન્કરોને સુરક્ષિત રસ્તો આપી શકાય.

અન્ય સૌથી ગંભીર કારણ ઈરાન પાસે રહેલું અંદાજે ૯૫૦ પાઉન્ડ જેટલું સંવર્ધિત યુરેનિયમ છે, જેનો ઉપયોગ એ પરમાણુ બૉમ્બ બનાવવા માટે કરી શકે છે. અમેરિકા અને ઇઝરાયલે અગાઉ કરેલા હુમલામાં ઈરાન હસ્તકની સંખ્યાબંધ સુવિધાઓ તબાહ થઈ હોવા છતાં આ યુરેનિયમનો જથ્થો સુરક્ષિત કરવા ડોનલ્ડ ટ્રમ્પ માટે અનિવાર્ય બન્યું  છે.


હવાઈ હુમલાથી યુરેનિયમનો આ જથ્થો સંપૂર્ણ નષ્ટ કરવો મુશ્કેલ હોવાથી ટ્રમ્પ જમીની સેના મોકલીને આ યુરેનિયમના જથ્થા પર અંકુશ મેળવવા માગે છે. ઉલ્લેખનીય છે કે ગયા ગુરુવારે પત્રકારો સાથેની વાતચીતમાં ડોનલ્ડ ટ્રમ્પે આ મામલે સ્પષ્ટ ફોડ પાડ્યો નહોતો, પરંતુ તેમણે એવો સંકેત આપ્યો હતો કે ઈરાન પર જમીની હુમલા માટે તેઓ ગમે ત્યારે મોટો નિર્ણય લઈ શકે છે.

સમગ્ર વિશ્વની નજર

USS ત્રિપોલી આગામી અઠવાડિયે યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં પહોંચે એવી શક્યતા છે. જો મરીન કમાન્ડો હોર્મુઝની ખાડીમાં પહોંચીને જમીની યુદ્ધનાં મંડાણ કરશે તો બે દાયકા બાદ અમેરિકા આટલા મોટા પાયે સીધા જમીની યુદ્ધમાં જોડાશે. આ હિલચાલને પગલે સમગ્ર વિશ્વની નજર હવે આગામી થોડા દિવસો પર ટકેલી છે, કારણ કે અમેરિકાની આ હિલચાલને લઈને સ્થિતિ વધુ વણસવાની અને ખાડીના દેશોમાં મહાયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાનો ભય ઊભો થયો છે.

મિત્ર ઈરાન સામેના વિરોધમાં જોડાયું ભારત: હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના નિર્ણય સામે UAEના નેતૃત્વ હેઠળના ઠરાવને યુનાઇટેડ નેશન્સમાં સમર્થન આપ્યું

ભારતે યુનાઇટેડ નેશન્સમાં ઇન્ટરનૅશનલ મૅરિટાઇમ ઑર્ગેનાઇઝેશન (IMO)ના ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવા સામે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના નેતૃત્વ હેઠળના ઠરાવને સમર્થન આપ્યું હતું. આ ઠરાવમાં ઈરાનને નાગરિક શિપિંગને સુરક્ષિત રાખવાની હાકલ કરવામાં આવી હતી. હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવા બદલ ઈરાનની નિંદા કરવામાં આવી હતી અને ઈરાનને આ સ્ટ્રેટ બંધ નહીં કરવાની હાકલ કરવામાં આવી હતી.

આ ઠરાવમાં ઈરાની ધમકીઓ અને જહાજો સામેના હુમલાઓ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની કથિત નિંદા કરવામાં આવી હતી. આ ઠરાવને ૧૧૫થી વધુ સભ્યદેશો દ્વારા સહપ્રાયોજિત કરવામાં આવ્યો હતો, જે IMOના ઇતિહાસમાં સૌથી વધુ સહપ્રાયોજિત ઠરાવ છે.

ઈરાને અનેક ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે.

Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 10:05 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK