બેઉ અવકાશયાત્રીઓને વાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરની પૃથ્વી પર સુરક્ષિત વાપસીનો જશન મનાવ્યો હતો અને તેઓ સ્વસ્થ થાય એ પછી વાઇટ હાઉસમાં આવવા આમંત્રણ આપ્યું હતું. અવકાશયાત્રીઓની સુરક્ષિત વાપસીનું શ્રેય તેમણે ખુદને આપ્યું હતું.
એક ન્યુઝ-ચૅનલ સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘સ્પેસ સ્ટેશનમાં આટલો સમય રહ્યા બાદ તેમની તબિયત બરાબર થાય એ પછી તેઓ ઓવલ ઑફિસમાં આવશે. સ્પેસમાં ગુરુત્વાકર્ષણ હોતું નથી, પણ પૃથ્વી પર હોય છે તેથી તેઓ બરાબર થઈ જાય એ જરૂરી છે. હાલનો સમય તેમના માટે મુશ્કેલ છે.’
ADVERTISEMENT
વાઇટ હાઉસના સત્તાવાર સોશ્યલ મીડિયા પોર્ટલ પર લખવામાં આવ્યું હતું કે ‘જે વચન આપ્યું હતું એ પૂરું કર્યું. પ્રેસિડન્ટ ટ્રમ્પે અવકાશમાં નવ મહિનાથી ફસાયેલા અવકાશયાત્રીઓને બચાવવાનો વાયદો કર્યો હતો. આજે તેઓ ગલ્ફ ઑફ અમેરિકામાં સલામત રીતે પાછાં ફર્યાં છે. ઈલૉન મસ્ક, સ્પેસઍક્સ અને NASAના પ્રયાસોના પગલે તેઓ સલામત પૃથ્વી પર પાછાં ફર્યાં છે.’
આમ અવકાશયાત્રીઓની સુરક્ષિત વાપસીનું શ્રેય તેમણે ખુદને આપ્યું હતું.
ડોનલ્ડ ટ્રમ્પે ઍક્સ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં કૅપ્સ્યુલ પાણીમાં ઊતરે છે એ દૃશ્ય હતું. એને પણ કૅપ્શન આપતાં ટ્રમ્પે લખ્યું હતું કે ‘અમેરિકા, એક ઑર વિજય’.
ગયા વર્ષે જૂન મહિનામાં બોઇંગના સ્ટારલાઇનર ક્રૂઝશિપમાં સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોર માત્ર ૮ દિવસના મિશન પર ગયાં હતાં, પણ એમાં ટેક્નિકલ ખામી આવતાં તેમણે ૯ મહિના રોકાઈ જવું પડ્યું હતું. ટ્રમ્પે વાયદો કર્યો હતો કે તેઓ ચૂંટાઈ આવશે તો સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછાં લાવશે. તેમણે તત્કાલીન પ્રેસિડન્ટ જો બાઇડન પર આરોપ લગાવ્યો હતો કે તેમણે અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશનમાંથી પાછા લાવવા કોઈ પ્રયાસ કર્યા નથી.
ટ્રમ્પે ઈલૉન મસ્કને અવકાશયાત્રીઓને પાછા લાવવા મિશન મોકલવાનો આગ્રહ કર્યો હતો અને ઈલૉન મસ્કે મિશન જલદી મોકલીને આ અવકાશયાત્રીઓને સહીસલામત પૃથ્વી પર લાવવામાં મદદ કરી હતી.

