નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ચડાવી દીધી ટેરરિસ્ટે : ૧૦નાં મોત, ૩૦ ઘાયલ
૧૦ વ્યક્તિઓનો જીવ લેનારી ટ્રકની ફરતે પોલીસ.
અમેરિકાના સાઉથમાં આવેલા ન્યુ ઑર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ગઈ કાલે વહેલી સવારે ૩.૧૫ વાગ્યે એક માણસે પિક-અપ ટ્રક ચડાવી દેતાં ૧૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૩૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ ઘટના વિશે તપાસ કરી રહેલા ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ આને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે હુમલાખોર પોલીસ સાથેની ક્રૉસ-ફાયરિંગમાં ઠાર થયો છે. ઘટનાસ્થળેથી વિસ્ફોટક ડિવાઇસ મળી આવ્યું છે.
આ ઘટના સંદર્ભે મળતી જાણકારી મુજબ લ્યુસિયાના શહેરના લોકપ્રિય ટૂરિસ્ટ-સ્પૉટ ફ્રેન્ચ ક્વૉર્ટરની બોર્બોન સ્ટ્રીટ પર લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. બોર્બોન સ્ટ્રીટ અને ઇબરવિલ ઇન્ટરસેક્શન વચ્ચે ઉજવણી કરી રહેલા લોકો પર ફુલ સ્પીડમાં પિક-અપ ટ્રક ચડાવી દીધા બાદ એનો ડ્રાઇવર ટ્રકમાંથી બહાર આવ્યો હતો અને તેણે લોકો પર અંધાધૂંધ ગોળીબાર પણ કર્યો હતો. આ ઘટના બાદ આ વિસ્તારમાં ઇમર્જન્સી જેવી હાલત ઊભી થઈ હતી.