ગાઝા પર થયેલા હવાઈ હુમલામાં હમાસના સલાહ અલ-બરદાવિલ અને તેની પત્ની સહિત ૧૯નાં મોત
સલાહ અલ-બરદાવિલ
ઇઝરાયલના ભયંકર હવાઈ હુમલામાં હમાસનો વધુ એક ટોચનો નેતા ઠાર થયો છે. મળતી માહિતી અનુસાર ગાઝાના ખાન યુનિસ પર ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના વરિષ્ઠ રાજકીય નેતા સલાહ અલ-બરદાવિલનું મોત થયું હતું. ૨૦૨૫ની ૨૩ માર્ચે રવિવારે સવારે આ હુમલો થયો હતો. એમાં અલ-બરદાવિલની સાથે તેની પત્ની અને ૧૯ પૅલેસ્ટિનિયનોનાં પણ મોત થયાં હતાં. આ ઘટના બાદ હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વધે એવી પૂરી શક્યતાઓ છે.
બીજી તરફ યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ઇઝરાયલ પર એક મિસાઇલ છોડ્યું હતું. જોકે ઇઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર આ મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવ્યું હતું અને એમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.

