એક પારિવારિક મિત્રે જણાવ્યું હતું કે ‘સરત સામાન્ય માણસ હતો જેને કોઈ રાજકીય સંબંધ નહોતો
સરત ચક્રવર્તી મણિ
બંગલાદેશમાં ઢાકા નજીક નરસિંગડી જિલ્લામાં કરિયાણાની દુકાન ધરાવતા ૪૦ વર્ષના હિન્દુ સરત ચક્રવર્તી મણિની હત્યા પહેલાં તેની પાસે પ્રોટેક્શન-મની એટલે કે જજિયાવેરો માગવામાં આવ્યો હતો અને તેની પત્નીના અપહરણની ધમકી આપવામાં આવી હતી એવો ખુલાસો તેના એક મિત્રે કર્યો હતો. સરત ચક્રવર્તીના એક પારિવારિક મિત્રે જણાવ્યું હતું કે ‘સરત સામાન્ય માણસ હતો જેને કોઈ રાજકીય સંબંધ નહોતો. તેને ખંડણીની ધમકી આપવામાં આવી હતી. તેનો કોઈ રાજકીય એજન્ડા નહોતો. તે ફક્ત ગુજરાન ચલાવવા માટે તેની કરિયાણાની દુકાન ચલાવતો હતો.’
આ મુદ્દે બંગલાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીના સહાયક સંગઠન સચિવ અને સરતના પારિવારિક મિત્ર બપ્પાદિત્ય બાસુએ આરોપ લગાવ્યો કે ‘મણિની નિર્દયતાથી હત્યા કરવામાં આવે એ પહેલાં તેમને જજિયાવેરાના નામે ધમકી આપવામાં આવી હતી અને ખંડણી લેવામાં આવી હતી. બંગલાદેશમાં હિન્દુઓ માટે પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ છે. અહીં જે થઈ રહ્યું છે એ હિન્દુઓનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે અને ચિંતાની વાત એ છે કે એ સરકારના સમર્થનથી થઈ રહ્યું છે.’
જજિયાવેરો શું છે?
ADVERTISEMENT
જજિયાવેરો એ ઐતિહાસિક રીતે ઇસ્લામિક રાજ્યોમાં રહેતા બિનમુસ્લિમ પુખ્ત પુરુષો પર રક્ષણ અને તેમના ધર્મનું પાલન કરવાના અધિકારના બદલામાં લાદવામાં આવતો માથાદીઠ કર હતો. ઇસ્લામ-સમર્થકો એને સુરક્ષાકર તરીકે જોતા હતા, જ્યારે ટીકાકારો લાંબા સમયથી એને ભેદભાવપૂર્ણ ગણાવતા આવ્યા છે. હાલના બંગલાદેશમાં આવા કર માટે કોઈ કાનૂની કે બંધારણીય જોગવાઈ નથી.


