પાકિસ્તાનના તાલિબાનના કમાન્ડરે લીધી આત્મઘાતી હુમલાની જવાબદારી
પેશાવરમાં વિસ્ફોટ બાદ ધરાશાયી થયેલી દીવાલના કાટમાળમાંથી મૃત શરીરને બહાર કાઢતા બચાવ કર્મચારીઓ. તસવીર એ.એફ.પી
પેશાવર (રૉયટર્સ) : પાકિસ્તાનના પેશાવર શહેરમાં ગઈ કાલે એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં ૪૬ જણનાં મૃત્યુ થયાં હતાં તેમ જ ૧૫૦થી વધુ લોકો જખમી થયા હોવાનું હૉસ્પિટલના અધિકારીઓએ જણાવ્યં હતું. મૃત્યુ પામનારાઓમાં બપોરની નમાજ માટે ગયેલા પોલીસ અધિકારીઓની સંખ્યા વધુ હતી. ભીડ ભરેલી મસ્જિદમાં થયેલા આ વિસ્ફોટની જવાબદારી પાકિસ્તાનના તાલિબાનના કમાન્ડર સરબકફ મોહમ્મદે લીધી છે. વિસ્ફોટને કારણે મસ્જિદની એક દીવાલ પડી ગઈ હતી. મસ્જિદનું બિલ્ડિંગ શહેરના ભરચક વિસ્તારમાં આવેલું છે, એની આસપાસ પોલીસ-કાર્યાલય અને રહેઠાણો છે. વિસ્ફોટ સમયે મસ્જિદમાં ૨૬૦ લોકો હતા.
પાકિસ્તાન : પાકિસ્તાન કે પ્રકોપસ્તાન?
ADVERTISEMENT
સરકારી બ્રૉડકાસ્ટર પીટીવીનાં ફુટેજ પરથી જણાયું હતું કે પોલીસો અને રહેવાસીઓ વિસ્ફોટના સ્થાનેથી કાટમાળ હટાવતા અને જખમી થયેલાઓને પોતાના ખભા પર લઈ જતા જોવા મળી રહ્યા છે. અમને ૪૬ મૃતદેહો અને ૧૫૦ ઈજાગ્રસ્તો મળ્યા છે એમ જણાવતાં પેશાવરની લેડી રીડિંગ હૉસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ આસીમે ઉમેર્યું હતું કે અનેક લોકોની સ્થિતિ ગંભીર છે. પેશાવર જે અફઘાનિસ્તાનની સરહદે પાકિસ્તાનના આદિવાસી જિલ્લાઓની ધાર પર આવેલું છે એને વારંવાર પાકિસ્તાની તાલિબાન સહિતનાં આતંકવાદી જૂથો દ્વારા નિશાન બનાવાય છે.