ન્યુ ઝીલૅન્ડમાં લગભગ ૨.૨૫ લાખ લોકો વીજળી વિના રહ્યા છે
ન્યુ ઝીલૅન્ડના નૉર્થ આઇલૅન્ડમાં ભારે ચક્રવાતને કારણે કાર પણ ફંગોળાઈ ગઈ હતી.
વેલિંગ્ટન (રૉયટર્સ) : ન્યુ ઝીલૅન્ડે એના ઇતિહાસમાં ત્રીજી વખત ગઈ કાલે ચક્રવાત ગેબ્રિયલના કારણે ઇમર્જન્સી લાગુ કરી દીધી હતી. આ ચક્રવાતના કારણે અનેક વિસ્તારમાં પૂર આવ્યું છે, ભેખડો ધસી પડી છે અને દરિયાની સપાટીમાં વધારો થયો છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોને તેમનાં ઘર છોડવાં પડ્યાં છે. લોકો જીવ બચાવવા ઘરની છત પર જતા રહ્યા છે. ફ્લાઇટ્સ કૅન્સલ થવાના કારણે હજારો લોકો ફસાયા છે.

ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડના નૉર્થ આઇલૅન્ડમાં પૂરમાં કેટલાંક ઘર ડૂબ્યાં હતાં, જ્યારે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
વડા પ્રધાન ક્રિસ હિપકિન્સે ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘અમે નુકસાનની જે તીવ્રતા અને વ્યાપ જોઈ રહ્યા છીએ એ અમે આ જનરેશનમાં જોયો નથી. લગભગ ૨.૨૫ લાખ લોકો વીજળી વિના રહ્યા છે. ડઝનેક સુપર માર્કેટ્સ બંધ છે.’


