હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી ગૅસ અને તેલ ભરેલાં જહાજોની અવરજવરને અવરોધ પહોંચ્યો છે
હોર્મુઝની ખાડી
બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી અને નેધરલૅન્ડ્સે જપાન સાથે મળીને જણાવ્યું હતું કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સુરક્ષિત માર્ગને સુનિશ્ચિત કરવામાં મદદ કરવા તૈયાર છે. હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી ગૅસ અને તેલ ભરેલાં જહાજોની અવરજવરને અવરોધ પહોંચ્યો છે જેને કારણે વૈશ્વિક ઊર્જાપુરવઠો ખોરવાઈ ગયો છે. ગઈ કાલે જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ દેશોએ જણાવ્યું હતું કે તેઓ ઊર્જા-બજારોને સ્થિર કરવા માટે સંકલિત પગલાં લેશે, કારણ કે તનાવ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ શિપિંગ માર્ગોમાંના એકને અવરોધે છે.
આ જૂથે ઈરાનને કમર્શિયલ શિપિંગ અને પ્રાદેશિક સ્થિરતાને જોખમમાં મૂકતા હુમલાઓ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પ્રયાસોમાં યોગદાન આપવા માટે અમારી તૈયારી વ્યક્ત કરીએ છીએ.
ADVERTISEMENT
હોર્મુઝ સ્ટ્રેટમાં પસાર થતાં જહાજો પાસેથી ઈરાન વસૂલી શકે ટ્રાન્ઝિટ-ફી
ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પર ટ્રાન્ઝિટ-ફી વસૂલીને એનું મૉનેટાઇઝેશન કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. આ સ્ટ્રેટમાંથી વૈશ્વિક તેલ અને લિક્વિફાઇડ ગૅસનો પાંચમો ભાગ પસાર થાય છે. ઈરાન પર અમેરિકા-ઇઝરાયલ યુદ્ધની શરૂઆતથી તેહરાને એના યુદ્ધવિરોધીઓ અને તેમના સાથીઓ સાથે જોડાયેલાં જહાજો માટે આ સ્ટ્રેટમાંથી પસાર થવામાં અવરોધ ઊભા કર્યા છે. ઈરાની સ્ટુડન્ટ્સ ન્યુઝ-એજન્સી અનુસાર એક સંસદસભ્યે જણાવ્યું હતું કે સંસદ એક બિલ પર વિચાર કરી રહી છે જેના હેઠળ શિપિંગ, ઊર્જા પરિવહન અને ખાદ્ય પુરવઠા માટે હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરતા દેશોએ ઈરાનને ટોલ અને કર ચૂકવવા પડશે. ઈરાનના સુપ્રીમ લીડરના સલાહકારે જણાવ્યું હતું કે યુદ્ધ સમાપ્ત થયા બાદ નવા શાસકને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પર દરિયાઈ પ્રતિબંધો લાગુ કરવાની મંજૂરી આપશે. મેહર ન્યુઝ-એજન્સીના જણાવ્યા અનુસાર હોર્મુઝ સ્ટ્રેટની વ્યૂહાત્મક સ્થિતિનો ઉપયોગ કરીને ઈરાન પશ્ચિમી દેશો પર પ્રતિબંધ લગાવી શકે છે અને એમનાં જહાજોને આ જળમાર્ગમાંથી પસાર થતાં અટકાવી શકે છે.
