દિલ્હી-હરિયાણામાં તેની સામે અનેક ગુના નોંધાયા છે
હિમાંશુ ભાઉ
ભારતના મોસ્ટ વૉન્ટેડ આરોપીઓમાંથી એક હરિયાણાના ગૅન્ગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં લાસ વેગસમાંથી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. FBIએ તેની સાથે કુખ્યાત ગૅન્ગસ્ટર નીરજ ફરીદપુરિયાની પણ ધરપકડ કરી છે.
હિમાંશુ ભાઉનું સાચું નામ હિમાંશુ રિટોલિયા છે. તે દિલ્હી અને હરિયાણામાં નોંધાયેલા હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને ખંડણી જેવા અનેક ગુનાહિત કેસોમાં વૉન્ટેડ છે. સાબરમતી જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો હરીફ ગણાતો હિમાંશુ ભાઉ વિદેશમાં રહીને દિલ્હી-નૅશનલ કૅપિટલ રીજન (NCR), હરિયાણા અને પંજાબમાં ફેલાયેલું ગુનાહિત નેટવર્ક ચલાવતો હોવાનો આરોપ છે. તે ભારતીય નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને દિલ્હી અને હરિયાણા પોલીસ દ્વારા વૉન્ટેડ હતો. હિમાંશુ વિરુદ્ધ ઇન્ટરપોલ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. તે ૨૦૨૨થી ફરાર હતો. અગાઉ તે પોર્ટુગલમાં રહેતો હતો પણ પછી અમેરિકા જતો રહ્યો હતો.
ADVERTISEMENT
કોણ છે હિમાંશુ ભાઉ?
૧૭ વર્ષની ઉંમરે તેણે ૨૦૨૦માં ગુનાની દુનિયામાં પગ મૂક્યો હતો અને ગામમાં એક માણસની હત્યા કરી હતી. તે સગીર હોવાથી તેને રિમાન્ડ હોમમાં મોકલી દેવામાં આવ્યો હતો અને ત્યાંથી ફરાર થયો હતો. ૨૧ વર્ષની ઉંમરે તેની સામે ઇન્ટરપોલની નોટિસ જાહેર કરવામાં આવી હતી. તે ગૅન્ગસ્ટર નીરજ બાવા સાથે પણ સંકળાયેલો હોવાનું કહેવાય છે. યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે ડઝનબંધ ગોળીઓ ચલાવવા અને જિમ-ટ્રેઇનર વિજયની હત્યા સહિતના હાઈ-પ્રોફાઇલ કેસોમાં તેનું નામ આવ્યું છે. તેણે ૨૦૨૨માં ભારત છોડવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને પાસપોર્ટ મેળવ્યો હતો.
