ચીને અમેરિકા પર લગાવી વળતી ટૅરિફ, પચીસ અમેરિકી કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ટૅરિફ-પ્લાન અમલમાં મૂકી દેતાં દુનિયામાં ટ્રેડવૉર જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. અમેરિકાએ એના ત્રણ મોટા બિઝનેસ પાર્ટનર્સ ચીન, મેક્સિકો અને કૅનેડા પર પચીસ ટકા ટૅરિફ લગાવી છે. એના પગલે હવે ચીન અને કૅનેડાએ પણ રેસિપ્રોક્લ ટૅરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. મેક્સિકો પણ આજે ટૅરિફના દર જાહેર કરશે. અમેરિકાએ કૅનેડાની એનર્જી પ્રોડક્ટ્સ પર ૧૦ ટકા વધારાની એક્સ્ટ્રા ટૅરિફ લગાવી છે. ચીન પર ટૅરિફ બમણી કરી ૨૦ ટકા કરી છે.
ચીને અમેરિકાથી ઇમ્પોર્ટ થતી ચીજો પર ૧૦થી ૧૫ ટકાની વધારાની ટૅરિફ લાદી દીધી છે. કૅનેડાએ અમેરિકી ચીજવસ્તુઓ પર પચીસ ટકા ટૅરિફ લગાવી છે. કૅનેડાએ અમેરિકન બિઅર, વાઇન, હોમ અપ્લાયન્સિઝ અને ફ્લૉરિડા ઑરેન્જ જૂસ પર ટૅરિફ લગાવવાની વાત કરી છે.
ADVERTISEMENT
ચીને પચીસ અમેરિકન કંપનીઓ પર નિકાસ અને રોકાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. ચીન ૧૦ માર્ચથી અમેરિકી ચિકન, ઘઉં, મકાઈ અને કપાસ પર વધારાની ૧૫ ટકા ટૅરિફ લગાવશે. અમેરિકી સોયાબીન, જુવાર, ડુક્કર, બીફ, સી-પ્રોડક્ટ્સ, ફળ અને શાકભાજી પર ૧૦ ટકા ટૅરિફ લગાવશે.
ટૅરિફ લાગુ કરવાની થોડી મિનિટો પહેલાં વાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પે કૅનેડા અને મેક્સિકો બન્નેને અમેરિકામાં ઘાતક નશીલી દવાઓની દાણચોરી રોકવા માટે પર્યાપ્ત સમય આપ્યો હતો, પણ તેઓ આ સમસ્યાનું સમાધાન કરવામાં નિષ્ફળ રહ્યા છે; આથી અમેરિકા પાસે ટૅરિફ લગાવવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.

