Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકા, રશિયા અને ચીને બહાર પાડ્યું સંયુક્ત ઘોષણાપત્ર

અમેરિકા, રશિયા અને ચીને બહાર પાડ્યું સંયુક્ત ઘોષણાપત્ર

Published : 20 November, 2026 11:36 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરમાણુ યુદ્ધ જીતી શકાતું નથી, ક્યારેય લડાવું પણ ન જોઈએ; એને રોકવાનો દરેક પ્રયાસ કરવો જોઈએ, ઐતિહાસિક શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અપીલ કરી કે પરમાણુ હથિયારો પર સંપૂર્ણરીતે પ્રતિબંધ લાગે

ગઈ કાલે શેનઝેનમાં શી ‌જિન‌પિંગ, ડોનલ્ડ ટ્રમ્પ અને વ્લા‌દિમીર પુ‌‌તિન.

ગઈ કાલે શેનઝેનમાં શી ‌જિન‌પિંગ, ડોનલ્ડ ટ્રમ્પ અને વ્લા‌દિમીર પુ‌‌તિન.


ચીનના શેનઝેન શહેરમાં ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આશરે એક કલાક સુધી ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી. ટ્રમ્પ અને પુતિન સાથેની ઐતિહાસિક બેઠકમાં શી જિનપિંગે પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ પ્રતિબંધ અને નાબૂદીની હાકલ કરી હતી. આ મુદ્દે શી જિનપિંગે કહ્યું હતું કે ‘પરમાણુમુક્ત વિશ્વ બનાવવા માટે પરમાણુ શસ્ત્રો પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવો જોઈએ અને એને સંપૂર્ણપણે નાબૂદ કરવા જોઈએ. પરમાણુ યુદ્ધ જીતી શકાતું નથી અને એ લડાવું પણ ન જોઈએ; એને રોકવા માટે દરેક પ્રયાસ કરવો જોઈએ.’

શેનઝેનમાં પહેલી વાર અમેરિકા, ચીન અને રશિયાના રાષ્ટ્રાધ્યક્ષોની બેઠક બાદ સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. એમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સુધારા, રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટનું ઉત્પાદન અને પુરવઠો વધારવા અને પરમાણુ જોખમો ઘટાડવાની ચર્ચા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્રણેય નેતાઓ તેમના દેશો વચ્ચે અવિરત ઊર્જાપુરવઠો જાળવવા માટે પણ સંમત થયા હતા. ત્રણેય નેતાઓએ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી અને વ્યૂહાત્મક સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાળવવાનો સંકલ્પ કર્યો હતો. રશિયન અને અમેરિકન રાષ્ટ્રપતિઓએ આ ત્રિપક્ષીય શિખર સંમેલનનું આયોજન કરવા બદલ ચીનની પણ પ્રશંસા કરી હતી.



ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલના કાયમી સભ્યો તરીકે રશિયા, ચીન અને અમેરિકાએ એમાં સુધારા કરવાનો સંકલ્પ કર્યો છે જેથી એ વૈશ્વિક પડકારોનો વધુ અસરકારક રીતે સામનો કરી શકે. તેઓ એ વાત પર પણ સંમત થયા કે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત અને અન્ય સમાન સંસ્થાઓએ તેમના અધિકારક્ષેત્રનો દુરુપયોગ ન કરવો જોઈએ.


આ ત્રિપક્ષીય બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ‘આપણે ખરેખર ઇતિહાસ બનાવી રહ્યા છીએ. અમેરિકા, રશિયા અને ચીન એવી સ્થિતિમાં છે જ્યાં તેઓ પૃથ્વી પર પરમાણુ શસ્ત્રોની સંખ્યા કેવી રીતે ઘટાડવી અને એમના ઉપયોગનું જોખમ કેવી રીતે ઘટાડવું એ અંગે ચર્ચા કરી શકે છે.’

શી જિનપિંગે આ શિખર સંમેલનને યુગનિર્માણકારી ગણાવ્યું અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતાના રક્ષણમાં મુખ્ય શક્તિઓ વચ્ચે સહકારના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. પુતિને કહ્યું કે રશિયા, ચીન અને અમેરિકા રચનાત્મક સહયોગ દ્વારા વૈશ્વિક સ્થિરતાને મજબૂત બનાવી શકે છે.


શી જિનપિંગના ભાષણ વખતે ડોનલ્ડ ટ્રમ્પ સૂઈ ગયા? વિડિયો થયો વાઇરલ

ચીનના શેનઝેનમાં એશિયા-પૅસિફિક ઇકૉનૉમિક કોઑપરેશન (APEC) સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે ઉદ્ઘાટન ભાષણ આપી રહ્યા હતા ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ જાણે સૂઈ ગયા હોય એમ બંધ આંખોવાળી અવસ્થામાં જોવા મળ્યા હતા. આ વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો. આ દૃશ્ય ટીવી-ચૅનલો પર પણ પ્રસારિત થયું હતું, ત્યાર બાદ એ ચર્ચાનો વિષય બન્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 11:36 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK