Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ૯૦ ટકા ઈરાની ક્રૂડ તેલની જ્યાંથી નિકાસ કરવામાં આવે છે એવા ખાર્ગ આઇલૅન્ડને કબજામાં લેવા માગે છે ટ્રમ્પ?

૯૦ ટકા ઈરાની ક્રૂડ તેલની જ્યાંથી નિકાસ કરવામાં આવે છે એવા ખાર્ગ આઇલૅન્ડને કબજામાં લેવા માગે છે ટ્રમ્પ?

Published : 11 March, 2026 08:47 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો આ આઇલૅન્ડ પર હુમલો થાય તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે

કાર્ટર અને રેગને હુમલો નહોતો કર્યો

કાર્ટર અને રેગને હુમલો નહોતો કર્યો


અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પાસે આવેલો ખાર્ગ આઇલૅન્ડ અચાનક જ મહત્ત્વપૂર્ણ બની ગયો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ આ ટાપુને કબજે કરવા માટે લશ્કરી વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે, કારણ કે આ આઇલૅન્ડ ઈરાનની તેલમાંથી થતી કમાણીનો સૌથી મોટો સ્રોત માનવામાં આવે છે. ઈરાનની ક્રૂડ ઑઇલની નિકાસનો આશરે ૮૦થી ૯૦ ટકા હિસ્સો આ આઇલૅન્ડથી વિદેશોમાં જતો હોય છે. આ આઇલૅન્ડ પર મોટાં તેલ ટર્મિનલો, પાઇપલાઇન્સ, સ્ટોરેજ ટૅન્ક અને જહાજ-લોડિંગની સુવિધાઓ છે. દરરોજ ૭ મિલ્યન બૅરલ સુધી તેલ જહાજોમાં લોડ કરી શકાય છે. આ આઇલૅન્ડમાં આશરે ૩૦ મિલ્યન બૅરલ તેલ સંગ્રહ કરવાની ક્ષમતા છે. હાલમાં એવો અંદાજ છે કે આશરે ૧૮ મિલ્યન બૅરલ તેલ સંગ્રહમાં છે, જે સામાન્ય સ્થિતિમાં દસથી ૧૨ દિવસની નિકાસ બરાબર છે.

આ આઇલૅન્ડ ઈરાનની મુખ્ય ધરતીથી દરિયામાં પચીસથી ૩૦ કિલોમીટર દૂર છે. ૧૯૬૦ના દશકામાં આ આઇલૅન્ડને વિદેશી રોકાણ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. જો આ આઇલૅન્ડ પર હુમલો થાય તો ઈરાનની અર્થવ્યવસ્થા પડી ભાંગે એમ છે. ઈરાન બમણા જોરથી પ્રતિક્રિયા આપી શકે છે અને એથી ત્રીજું વિશ્વયુદ્ધ પણ સંભવી શકે છે. અમેરિકા અને ઇઝરાયલે અનેક ઈરાની લશ્કરી બેઝ અને પરમાણુ સુવિધાઓને નિશાન બનાવ્યાં છે, પરંતુ ખાર્ગ આઇલૅન્ડ પર અત્યાર સુધી હુમલો કર્યો નથી.



કાર્ટર અને રેગને હુમલો નહોતો કર્યો


ખાર્ગ આઇલૅન્ડ અગાઉ ઘણી વખત વ્યૂહાત્મક ચર્ચાનો વિષય રહ્યો છે. ૧૯૭૯ના ઈરાન હોસ્ટેજ સંકટ દરમ્યાન અમેરિકાના પ્રેસિડન્ટ જિમી કાર્ટરને ટાપુ કબજે કરવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેમણે એમ કર્યું નહોતું.

૧૯૮૦ના દાયકામાં પ્રેસિડન્ટ રોનલ્ડ રેગનના કાર્યકાળ દરમ્યાન અમેરિકાએ ઈરાની તેલ સુવિધાઓ પર હુમલો કર્યો હતો, પરંતુ ખાર્ગ આઇલૅન્ડને નિશાન બનાવવામાં આવ્યો નહોતો. ઈરાન-ઇરાક યુદ્ધ દરમ્યાન ઇરાકી હુમલાઓમાં ટાપુના તેલ ટર્મિનલને ભારે નુકસાન થયું હોવા છતાં ઈરાને પાછળથી એનું પુનઃ નિર્માણ કર્યું હતું.


હોર્મુઝની ખાડીના માર્ગ બાદ શું ઈરાન બાબ-અલ-મંડેબ સ્ટ્રેટને પણ બંધ કરી દેશે? દુનિયા તેલ માટે તરસી જશે

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તેલપુરવઠા અંગે વૈશ્વિક ચિંતાઓ વધી રહી છે. એવું જાણવા મળી રહ્યું છે કે ઈરાન વિશ્વને તેલના એક-એક ટીપા માટે તરસ્યું બનાવવાની તૈયારી કરી રહ્યું છે. હોર્મુઝની ખાડી લગભગ બંધ થઈ જતાં વૈશ્વિક ઈંધણ સંકટ વધુ ઘેરું બની રહ્યું છે ત્યારે અહેવાલો સૂચવે છે કે ઈરાન અન્ય મહત્ત્વપૂર્ણ તેલપુરવઠા માર્ગ બાબ-અલ-મંડેબને બંધ કરવાનું વિચારી રહ્યું છે. ઈરાને સંકેત આપ્યો છે કે જો અમેરિકા અને ઇઝરાયલ એમના હુમલા ચાલુ રાખશે અને યુદ્ધને લંબાવશે તો ઈરાન બાબ-અલ-મંડેબમાંથી પસાર થતાં જહાજોને રોકી શકે છે. જો અમેરિકા ઈરાનના નવા સુપ્રીમ લીડર અથવા અન્ય વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવશે તો તેહરાન આ વિકલ્પ લાગુ કરી શકે છે. ઈરાન એક લીટર તેલ પણ એના પ્રદેશમાંથી બહાર નીકળવા દેશે નહીં.

હોર્મુઝની ખાડીનો માર્ગ બંધ કરશો તો વીસગણો વધારે માર પડશે : ઈરાનને ડોનલ્ડ ટ્રમ્પની ચેતવણી

મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ એક સાંકડો પરંતુ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. એ રેડ સીને એડનના અખાત સાથે જોડે છે. આ માર્ગ ભૂમધ્ય સમુદ્ર અને હિન્દી મહાસાગરને સુએઝ નહેર દ્વારા જોડતો મુખ્ય દરિયાઈ માર્ગ પણ છે. બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ અરબી દ્વીપકલ્પ પર યમન અને આફ્રિકામાં જીબુટી વચ્ચે આવેલો છે. એને વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક માનવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 08:47 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK