ભારત સહિતના અનેક દેશો મંગળ ગ્રહ પર માણસોને વસાવવા માટે વિચારી રહ્યા છે, પણ જીવવિજ્ઞાનીઓ ચેતવી રહ્યા છે કે ત્યાં રહેવા જવામાં સારાવટ નથી.
લાઇફ મસાલા
મંગળ ગ્રહ
ભારત સહિતના અનેક દેશો મંગળ ગ્રહ પર માણસોને વસાવવા માટે વિચારી રહ્યા છે, પણ જીવવિજ્ઞાનીઓ ચેતવી રહ્યા છે કે ત્યાં રહેવા જવામાં સારાવટ નથી. ટેક્સસની રાઇસ યુનિવર્સિટીના જીવવિજ્ઞાની ડૉ. સ્કૉટ સોલોમને કહ્યું કે રાતા ગ્રહ પર માણસોને મોકલશો તો તેમનો રંગ લીલો થઈ શકે છે અને આંખ પણ ગુમાવવી પડે. તેમણે ‘ફ્યુચર હ્યુમન્સ’ નામનું પુસ્તક લખ્યું છે. એમાં તેમણે દાવો કર્યો છે કે મંગળની સપાટી પર વિશ્વાસ ન બેસે એવી કપરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એને કારણે માણસો માટે આ ગ્રહ પર જીવવાનું તો દૂરની વાત છે, રહેવાનું પણ અતિશય અઘરું થશે. તેમણે તો એવું કહ્યું કે મંગળ પર કોઈ માણસ બાળકને જન્મ આપે તો ઓછા ગુરુત્વાકર્ષણ અને ઉચ્ચ એક્સ-રેને કારણે એમાં વિચિત્ર પ્રકારનાં મ્યુટેશન થઈ શકે છે અને એટલે ચામડીનો રંગ લીલો થઈ શકે, માંસપેશીઓ નબળી થઈ શકે, દૃષ્ટિ ખરાબ થઈ શકે અને હાડકાં ભાંગલાંતૂટલાં થઈ શકે છે. મંગળ એ પૃથ્વી કરતાં નાનો ગ્રહ છે અને ગુરુત્વાકર્ષણ ૩૦ ટકા ઓછું હોય છે. ઓઝોનનું પડ ન હોવાથી આવી સમસ્યા થઈ શકે છે.