અમેરિકાના ડૅલસમાં ઍર-શો દરમ્યાન બે મિલિટરી ઍરક્રાફ્ટ વચ્ચે ટક્કર, છ જણનાં મૃત્યુ
ડૅલસમાં ગઈ કાલે ઍર-શો દરમ્યાન ટક્કર બાદ આગની જ્વાળામાં ફેરવાઈ ગયેલાં મિલિટિરી ઍરક્રાફ્ટ્સ. તસવીર એ.પી. /પી.ટી.આઇ.
ડૅલસ : અમેરિકાના ડૅલસમાં ઍર-શો દરમ્યાન બે ઐતિહાસિક મિલિટરી ઍરક્રાફ્ટ વચ્ચે ટક્કર થઈને એ આગની જ્વાળામાં ફેરવાઈ ગયાં હતાં. સ્થાનિક સમય અનુસાર શનિવારે બપોરે ૧.૨૦ વાગ્યે બોઇંગ બી-૧૭ ફ્લાઇંગ ફોર્ટેસ અને બેલ પી-૬૩ કિંગકોબ્રા વચ્ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં છ જણનાં મોત થયાં છે. બી-૧૭ને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મની પર બૉમ્બમારો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું, જ્યારે આ જ યુદ્ધ દરમ્યાન કિંગકોબ્રાનો સોવિયેટ ફોર્સિસ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અમેરિકન ઍરલાઇન્સ પાઇલટ્સનું પ્રતિનિધિત્વ કરતા લેબર યુનિયન અલાઇડ પાઇલટ્સ અસોસિએશને આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં બે નિવૃત્ત પાઇલટ્સ અને ભૂતપૂર્વ યુનિયન મેમ્બર્સની ઓળખ કરી છે. ભૂતપૂર્વ મેમ્બર્સ ટેરી બાર્કર અને લેન રૂટ વિંગ્સ ઓવર ડૅલસ ઍર-શો દરમ્યાન બી-૧૭ ફ્લાઇંગ ફોર્ટેસના ક્રૂ મેમ્બર્સમાં સામેલ હતા. દુર્ઘટનાના સ્થળે ૪૦ ફાયર રેસ્ક્યુ યુનિટ્સ તહેનાત હતા.
ADVERTISEMENT
કોમેમોરેટિવ ઍરફોર્સના સીઈઓ અને પ્રેસિડન્ટ હૅન્ક કોએટ્સે જણાવ્યું હતું કે બી-૧૭માં સામાન્ય રીતે ચારથી પાંચ જણનું ક્રૂ હોય છે, જ્યારે પી-૬૩ એ સિંગલ-પાઇલટેડ ફાઇટર ટાઇપ ઍરક્રાફ્ટ છે. નૅશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે એ આ દુર્ઘટનાની તપાસ કરશે.

