જામનગરમાં હાથરસવાળી: 17 વર્ષની યુવતીને ઊંઘની દવા આપી તેના પર ગૅન્ગરેપ
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશમાં હાથરસ ગૅન્ગરેપની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે અને બળાત્કારીઓને ફાંસી જેવી કડક સજાની માગ કરવામાં આવી રહી છે. ગૅન્ગરેપ બાદ દલિત યુવતીના મોતની ઇન્ક સૂકાઈ પણ નથી ત્યાં જામનગરમાંથી શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચાર નરાધમોએ ૧૭ વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી લીધી છે.
હાથરસની ઘટના બાદ ગુજરાતમાં પણ સતત સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. સંતરામપુરની મહિલા સાથે દુષ્કર્મની ઘટના બાદ જામનગરમાંથી ગૅન્ગરેપની ઘટનાને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જામનગરમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને આરોપીઓએ ઊંઘની દવા પીવડાવી દીધી હતી અને એ બાદ ચારેય આરોપીઓએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
ADVERTISEMENT
હાલ ૧૭ વર્ષની સગીરાને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને તેની સારવાર ચાલી રહી છે. તો આ મામલે ચાર શખ્સો સામે પોલીસ-ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તાબડતોડ ૩ નરાધમોની ધરપકડ કરી લીધી છે, જ્યારે હજી એક હવસખોર પોલીસ પકડથી દૂર છે. એવામાં હવે દીકરીઓને સુરક્ષિત રાખવા માટે સરકારે કડક કાયદાની જરૂર છે. ગૅન્ગરેપ જેવી આવી ઘટનાઓને કારણે ગાંધીનું ગુજરાત બદનામ થઈ રહ્યું છે.

