સ્કિનકૅર અને મેકઅપના કૉમ્બિનેશન સાથે બ્યુટી વર્લ્ડમાં લિપગ્લૉસનું પાછું કમબૅક થઈ રહ્યું છે
બ્લૉસ લિપ ટ્રેન્ડ
મેકઅપ અને ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય ટકી રહેતી મૅટ લિપસ્ટિકનો દબદબો રહ્યો છે. જોકે બદલાતા સમય સાથે હવે લિપકૅર અને સુંદરતાના અભિગમમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે ગ્લૉસી અને હેલ્ધી લિપ્સનો ટ્રેન્ડ પાછો ફર્યો છે, પણ નવા અંદાજમાં. એને બ્લૉસ નામ આપવામાં આવ્યું છે.
શું છે આ બ્લૉસ ટ્રેન્ડ?
ADVERTISEMENT
બ્લૉસ એ મૂળભૂત રીતે લિપબામ અને લિપગ્લૉસ શબ્દોનું મિશ્રણ છે. પહેલાં લિપગ્લૉસ બહુ સ્ટિકી આવતા હતા અને ઘણી વાર એ હોઠને સુકાવી નાખતા હતા. બીજી તરફ સામાન્ય લિપબામ હોઠને હાઇડ્રેશન અને પોષણ તો આપતા હતા, પણ એમાં કોઈ ખાસ વિઝ્યુઅલ ચમક અથવા રંગનો લુક મળતો નહોતો. આ બન્ને મર્યાદાઓને દૂર કરવા માટે બ્લૉસ ફૉર્મ્યુલા ડેવલપ થઈ છે, જે હોઠને બામ જેવું હાઇડ્રેશન અને ગ્લૉસ જેવી ચમક એકસાથે આપે છે જેથી હોઠ સુંદર દેખાવાની સાથે સ્વસ્થ પણ રહે. બ્લૉસ લુક મેળવવા માટે સૌપ્રથમ હોઠ પર એક સારો હાઇડ્રેટિંગ લિપબામ લગાવવામાં આવે છે અને એની ઉપર ગ્લૉસનો કોટ કરવામાં આવે છે. આ ઉપરાંત હવે બજારમાં એવી પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ છે જે આ બન્ને ગુણો ધરાવે છે. આ ફૉર્મ્યુલેશન હોઠને કાચ જેવી ચમક આપે છે, જે વધુ પડતી ભીની કે ચીકણી લાગતી નથી. આમાં શિયા બટર, સ્ક્વાલેન અને પેપ્ટાઇડ્સ જેવાં તત્ત્વો અને તેલનો ઉપયોગ થાય છે જે હોઠને ઊંડાણપૂર્વક હાઇડ્રેટ કરે છે. એ હોઠના કુદરતી રંગને જાળવીને લાઇટ શેડ આપે છે. આ ફેરફાર દર્શાવે છે કે હવે ગ્રાહકો માત્ર દેખાવ પૂરતી સુંદર પ્રોડક્ટ્સ પસંદ કરવાને બદલે સ્કિનકૅર અને મેકઅપના કૉમ્બિનેશનવાળા પ્રૅક્ટિકલ વિકલ્પો પસંદ કરી રહ્યા છે.
