મૉરોક્કોનાં દુર્લભ વૃક્ષોમાંથી મળતું આર્ગન ઑઇલ માત્ર એક બ્યુટી-પ્રોડક્ટ નથી; ત્વચા, વાળ અને નખ માટેનું સુપરફૂડ છે. આ તેલ કેવી રીતે તમારી સુંદરતાને નિખારી શકે છે એ જાણીએ
તસવીર સૌજન્ય - આઈસ્ટૉક
આજના સમયમાં જ્યારે કેમિકલયુક્ત બ્યુટી-પ્રોડક્ટ્સનો રાફડો ફાટ્યો છે ત્યારે લોકો નૅચરલ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધુ કરી રહ્યા છે. એમાં ઉત્તર આફ્રિકાના મૉરોક્કો દેશમાં મળી આવતા આર્ગન વૃક્ષના ફળમાંથી મેળવવામાં આવતું આર્ગન ઑઇલ એની ખાસિયતોને કારણે દુનિયાભરમાં લિક્વિડ ગોલ્ડ તરીકે ઓળખાય છે. એ સ્કિનકૅરની સાથે હેરકૅરમાં પણ બહુ સારું રિઝલ્ટ આપે છે.
ત્વચા માટે સુપરફૂડ
આર્ગન ઑઇલ કમ્પ્લીટ સ્કિન-ટ્રીટમેન્ટ છે એમ કહી શકાય. એમાં રહેલું વિટામિન-E અને ફૅટી ઍસિડ ત્વચાના કોષોમાં રહેલા ભેજને સીલ કરી દે છે, જેથી ત્વચા આખો દિવસ નરમ રહે છે. આ તેલ ‘નૉન-કોમેડોજેનિક’ છે એટલે કે એ ત્વચાનાં છિદ્રોને બંધ કરતું નથી. એ ત્વચામાં રહેલા કુદરતી તેલના ઉત્પાદનને નિયંત્રિત કરે છે, જેથી ખીલ થવાની શક્યતા ઘટે છે. સૂર્યનાં હાનિકારક કિરણો અને પ્રદૂષણથી થતા નુકસાનને અટકાવે છે, પરિણામે કસમયે આવતી કરચલીઓ અટકે છે.
મૅજિકલ કન્ડિશનર
આર્ગન તેલ વાળમાં ઊતરીને અંદરથી મજબૂત બનાવે છે. જેને ફ્રિઝી હેરની સમસ્યા હોય એ લોકો માટે આર્ગન ઑઇલ રામબાણ ઇલાજ છે. સ્ટ્રેટનિંગ કે ડ્રાયર જેવી હીટ-ટ્રીટમેન્ટ આપી હોય અથવા કલર કરાવવાને કારણે ડૅમેજ થયેલા વાળને આર્ગન ઑઇલ રિપેર કરીને વાળને ફરીથી પહેલાં જેવા કરવામાં મદદ કરે છે. સ્કૅલ્પ એટલે કે માથાની ત્વચા સૂકી હોય તો ખોડો થાય છે. આ તેલ સ્કૅલ્પને મૉઇશ્ચરાઇઝ કરીને ખોડાની સમસ્યા દૂર કરે છે અને વાળની હેલ્થને પણ સારી રાખે છે.
નેઇલ-કૅરમાં પણ ઉપયોગી
આપણે ઘણી વાર નખની કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ ત્યારે આર્ગન તેલ બહુ કામ આવે છે. નબળા નખ જે જલદી તૂટી જાય છે એને આ તેલ મજબૂત બનાવે છે. એના ગુણધર્મો નખની આસપાસ થતા ઇન્ફેક્શનને રોકે છે અને આખા નખ પર આ તેલની માલિશ કરવાથી નખમાં કુદરતી ચમક આવે છે અને ક્યુટિકલ્સ નરમ બને છે.
સ્ટ્રેચ-માર્ક્સ દૂર કરે
ગર્ભાવસ્થા અથવા વજનમાં ફેરફારને કારણે થતા સ્ટ્રેચ-માર્ક્સ પર જો આર્ગન ઑઇલથી માલિશ કરવામાં આવે તો ત્વચાની ઇલૅસ્ટિસિટી વધે છે અને માર્ક્સ ઝાંખા પડે છે. એ ત્વચાના નવા કોષો બનાવવામાં મદદ કરે છે, જેથી જૂના ડાઘ ધીમે-ધીમે દૂર થાય છે.
ઘરગથ્થુ નુસખાઓ
ગ્લોઇંગ ફેસ જોઈતો હોય તો આ તેલનું સિરમ બનાવી શકાય. સિરમ બનાવવા માટે પાંચ-છ ટીપાં આર્ગન ઑઇલ લો. એમાં એક ટીપું રોઝમેરી અથવા લૅવન્ડર ઑઇલ ઉમેરો, પછી આ મિશ્રણને ચહેરા પર અપ્લાય કરીને હળવા હાથે મસાજ કરો. રાત્રે સૂતાં પહેલાં આ સિરમ લગાવવાથી ત્વચાના કોષો રિપેર થાય છે અને કુદરતી ચમક આપે છે.
ડ્રાય અને બેજાન વાળ માટે તમે આનો ડીપ કન્ડિશનિંગ હેરમાસ્ક પણ બનાવી શકો. એક ચમચી આર્ગન ઑઇલમાં બે ચમચી દહીં અથવા એક ચમચી મધ મિક્સ કરો. તૈયાર થયેલા હેરમાસ્કને વાળના મૂળથી છેડા સુધી લગાવો. અડધો કલાક રહેવા દો અને પછી માઇલ્ડ શૅમ્પૂથી ધોઈ લો. વાળમાં રહેલી ડ્રાયનેસ દૂર થશે અને વાળ મુલાયમ બનશે.
સ્પ્લિટ એન્ડ્સનો પ્રૉબ્લેમ હોય તો તમે આર્ગન ઑઇલને હેરવૉશ બાદ વાળના છેડા પર અપ્લાય કરી શકો. આનાથી વાળ ગૂંચવાશે નહીં અને હીટ કે પ્રદૂષણ સામે રક્ષણ પણ આપશે.
એક વાટકીમાં થોડું આર્ગન ઑઇલ અને થોડાં ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. તમારા નખને આ મિશ્રણમાં પાંચથી દસ મિનિટ ડુબાડી રાખો અને પછી હળવા હાથે મસાજ કરશો તો નખની પીળાશ દૂર થશે અને નખ મજબૂત થશે. આ પ્રોસેસને નેઇલ-સ્ટ્રેન્ગ્થનર બાથ કહેવાય.
રાત્રે સૂતા પહેલાં એક ટીપું આર્ગન ઑઇલ હોઠ પર લગાવવાથી એ હોઠને નરમ રાખશે. જેમને ઉનાળામાં હોઠ ફાટવાની સમસ્યા હોય એ લોકો માટે આ નુસખો કારગત સાબિત થશે.
સ્ટોરેજ ટિપ્સ
આર્ગન ઑઇલ પર સીધો સૂર્યપ્રકાશ ન પડવો જોઈએ. સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ (UV) કિરણો તેલનાં પોષક તત્ત્વોને તોડી નાખે છે. તેથી એને હંમેશાં ઘરના કોઈ અંધારા અથવા ઓછા પ્રકાશવાળા ખૂણામાં રાખવું જોઈએ. તમે જોયું હશે કે શુદ્ધ આર્ગન ઑઇલ હંમેશાં ઘેરા ઍમ્બર કે વાદળી રંગની કાચની બૉટલમાં આવે છે. એનું કારણ એ છે કે આ રંગનો કાચ પ્રકાશને અંદર પ્રવેશતાં અટકાવે છે. ક્યારેય એને પ્લાસ્ટિકની બૉટલમાં ન રાખવું, કારણ કે પ્લાસ્ટિકનાં કેમિકલ્સ તેલ સાથે પ્રતિક્રિયા કરી શકે છે. આ તેલને ગૅસની નજીક કે બારી પાસે રાખવાને બદલે ઠંડી અને સૂકી જગ્યાએ રાખવું જોઈએ. ખૂબ ગરમીમાં તેલ જલદી બગડી શકે છે. બૉટલની અંદર પાણીનું એક ટીપું પણ ન જાય એનું ધ્યાન રાખવું. પાણીને કારણે તેલમાં બૅક્ટેરિયા પેદા થઈ શકે છે અને તેલ ખરાબ થઈ શકે છે. જો તેલમાંથી ખાટી કે ખૂબ જ તીવ્ર દુર્ગંધ આવવા લાગે તો સમજવું કે એ બગડી ગયું છે.
ADVERTISEMENT
શું ધ્યાન રાખશો?
હંમેશાં ૧૦૦ ટકા પ્યૉર અને કોલ્ડ પ્રેસ પદ્ધતિથી બનાવેલું આર્ગન ઑઇલ જ પસંદ કરવું જોઈએ. શુદ્ધ આર્ગન ઑઇલ ત્વચામાં જલદી શોષાઈ જાય છે અને ચીકાશ છોડતું નથી. આર્ગન તેલ મુંબઈનાં વિવિધ બ્યુટી-સેન્ટર્સ અને પ્રીમિયમ કૉસ્મેટિક સ્ટોર્સ અથવા ઑર્ગેનિક પ્રોડક્ટ્સ વેચતી દુકાનમાંથી મળી રહેશે.
