૧૦૦ આખલા કે ઘોડા જન્મે તો એમાંથી એકાદને સાંઢ બનાવી શકાય. ૧૦૦ ગાય સામે ૧૦૦ સાંઢ ન રાખવાના હોય, તો બાકીના ૯૯નું શું કરવું?
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
માણસ જંગલી દશામાંથી નાગરિક થયો અને તે પશુઓને પાળવા માંડ્યો. એમાં ઘોડા સવારી માટે, ગધેડા માલ ઉપાડવા માટે, ગાય-ભેંસ-બકરી દૂધ માટે, તો બળદોને ખેતીકામ માટે ઉપયોગી બનાવાયા. એ સમયે યંત્રયુગ નહોતો એટલે ગામેગામ કે નગરેનગર ઘોડા, ઊંટ, બળદ મોટા પ્રમાણમાં રહેતાં, પણ જે ગણિત બકરીઓના બકરાઓ માટે બતાવ્યું એ જ ગણિત આ પ્રાણીઓ માટે પણ ખરું જ. ૧૦૦ આખલા કે ઘોડા જન્મે તો એમાંથી એકાદને સાંઢ બનાવી શકાય. ૧૦૦ ગાય સામે ૧૦૦ સાંઢ ન રાખવાના હોય, તો બાકીના ૯૯નું શું કરવું? જવાબ હતો, ખેતી કરવી, પણ આખલો રાખીને ખેતી કરવા જતાં એની કામવાસના એને મારકણો બનાવી દે. ઉત્પાત કરે, ઓછું જીવે અને દૂબળો રહે એટલે માણસે એની ખસી કરવાનું શરૂ કર્યું. બળદો, અશ્વો ખસી કરેલા હોય તો સારું કામ કરે અને ઉત્પાત ન મચાવે. જોકે ખસી કરવાની પ્રક્રિયા અકુદરતી છે અને મૂંગાં ઢોરો સાથે ક્રૂરતા જ કહેવાય. જો તેમને વાચા હોત તો તેઓ જરૂર વિરોધ કરત, પણ કોઈ પ્રક્રિયા પૂરી પ્રજાના મગજમાં બેસી જાય પછી એ સહજ થઈ જાય છે.
આપણે કંઈક ખોટું કરીએ કે કોઈનો હક છીનવી લઈએ એનું ભાન નથી રહેતું. કેટલાકને એવું બોલતા સાંભળ્યા છે કે ઘરડાં માતાપિતાને આપણે થોડાં કાઢી મૂકીએ છીએ, આવી જ રીતે ઘરડાં પશુઓને પણ પોષવાં જોઈએ. આ લોકોને એટલું જ કહેવાનું કે આ દલીલ વ્યવહારુ નથી. માણસ અને પશુઓને એક ગજથી માપી શકાય નહીં. સામે કોઈ એવું પૂછે કે શું તમે તમારા છોકરાઓની ખસી કરો છો? જો કહો કે ના, તો પછી પશુઓની ખસી કેમ કરો છો? આ જુલમ નથી? તમે તમારા સ્વાર્થ માટે જ ખસી કરો છેને? આ મૂંગાં ઢોરોને વાચા હોત તો ખસી કરવા દેત? આ વ્યવહારની માણસના વ્યવહાર સાથે કેમ તુલના નથી કરતા?
ADVERTISEMENT
એમ છતાં સદીઓથી ખસી કરી નાખવાની પ્રક્રિયા કોઠે પડી ગઈ છે એટલે કોઈને એમાં ભયંકર જુલમ દેખાતો નથી, પણ ખસી કર્યા પછી પણ પ્રશ્ન પૂરો થતો નથી. બળદ આર્થિક રીતે પોસાતો નથી. હવે ખેતી માટે ટ્રૅક્ટર, માલ લઈ જવા ટ્રક તથા ટ્રેન અને સવારી માટે સ્કૂટર, કાર, ટ્રેન, વિમાન થઈ જવાથી હવે જૂની પદ્ધતિનો વ્યવહાર ચાલી શકે નહીં એટલે બળદની જરૂરિયાત પહેલાં હતી એ હવે નથી. એક બળદ પાછળ સરેરાશ ૨૦૦ રૂપિયા પ્રતિદિન ખર્ચાય, એની પાછળ એક માણસને રોકી રાખવો પડે અને એની પાસેથી ખેતીનું કામ લેવામાં સમય પણ લાગે અને છતાં ટ્રૅક્ટર જેવી એ ખેડ કરી શકે નહીં.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

