મહેશ ભટ્ટની વેબ-સિરીઝમાં તાહિર રાજ ભસીન, અમૃતા પુરી અને અમાલા પૉલ
થોડા સમય પહેલાં ફિલ્મમેકર મહેશ ભટ્ટ ડિજિટલ પ્લૅટફૉર્મ પર ડેબ્યુ કરી રહ્યા છે એવા સમાચાર હતા. આ વેબ-સિરીઝમાં ૭૦ના દાયકાની ટોચની અભિનેત્રી અને સ્ટ્રગલિંગ ફિલ્મમેકરના સંબંધની વાત હશે. આ શો ખુદ મહેશ ભટ્ટ અને પરવીન બાબીના સંબંધ પર આધારિત છે એવું કહેવાય છે, કારણ કે એક સમયે પરવીન બાબી ટોચની અભિનેત્રી હતી અને મહેશ ભટ્ટ સ્ટ્રગલિંગ ફિલ્મમેકર હતા. આ શોનું ટાઇટલ અને અન્ય માહિતી હજી સામે આવવાનાં બાકી છે ત્યારે એની કાસ્ટ કોણ હશે એની મેકર્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
મહેશ ભટ્ટ જિયો સ્ટુડિયોઝ સાથે મળીને આ સિરીઝ બનાવવાના છે જેમાં તાહિર રાજ ભસીન, અમાલા પૉલ અને અમૃતા પુરી મુખ્ય કલાકારો તરીકે જોવા મળશે. છેલ્લે નીતેશ તિવારીની ‘છીછોરે’ ફિલ્મમાં જોવા મળેલો તાહિર રાજ ભસીન ‘મર્દાની’ ફિલ્મથી જાણીતો બન્યો છે અને હવે રણવીર સિંહ સ્ટારર ‘૮૩’માં સુનીલ ગાવસકર તરીકે દેખાશે. અમાલા પૉલ એક મલયાલી અભિનેત્રી છે તો અમૃતા પુરી ઍમેઝૉનની વેબ-સિરીઝ ‘ફૉર મોર શૉટ્સ પ્લીઝ’ ઉપરાંત ‘કાઇપો છે!’ અને ‘જજમેન્ટલ હૈ ક્યા’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

