કામની મજા પ્રોસેસમાં છે નહીં કે પ્લૅટફૉર્મમાં: શ્વેતા ત્રિપાઠી
શ્વેતા ત્રિપાઠી
શ્વેતા ત્રિપાઠીનું કહેવું છે કે કામની મજા પ્રોસેસમાં છે નહીં કે મીડિયમમાં. તે વેબ-શોમાં ખૂબ કામ કરી રહી છે. તેની વિક્રાન્ત મેસી સાથેની સાયન્સ-ફિક્શન ‘કાર્ગો’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ પ્લૅટફૉર્મ વિશે વાત કરતાં શ્વેતાએ કહ્યું હતું કે ‘આપણે બધા જાણીએ છીએ કે કોવિડ-19ને કારણે ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. એક ઍક્ટર તરીકે અમે અમારા કામને થોડું અલગ કરવાની કોશિશ કરીએ છીએ. છેલ્લા થોડા મહિનામાં મેં ઘણાં વર્ચ્યુઅલ નાટકો જોયાં છે. તેમના ચહેરા પર જે ખુશી હતી એની તોલે કંઈ ન આવી શકે. એ ઍક્ટર્સ માટે મારું માનવું છે કે કામની મજા પ્રોસેસમાં હોય છે નહીં કે પ્લૅટફૉર્મમાં. અમારી સ્ટોરી લોકો સુધી પહોંચે એ જરૂરી છે. એ નાટકનું સ્ટેજ હોય કે પછી ઝૂમ કૉલ કેમ ન હોય, એનાથી ફરક નથી પડતો. આપણે સમયની સાથે ચાલીને પર્ફોર્મ કરીએ અને કામ કરીએ એ ખૂબ જ જરૂરી છે. હું મારા તમામ મિત્રોને વિનંતી કરું છું કે તેઓ સ્ટોરી કહેવા માટે હંમેશાં નવા રસ્તા શોધતા રહે. આર્ટને ભાષા, સ્થળ કે પછી કોઈ પ્લૅટફૉર્મ દ્વારા બાંધી નથી શકાતી.’

