૨૦૧૨માં તેની એક્ઝિટ બાદ પબ્લિક ડિમાન્ડ બાદ તેને ફરીથી શોમાં લાવવામાં આવ્યો હતો
રોશન સિંહ સોઢી
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીના રોલમાં જોવા મળેલો ગુરુચરણ સિંહ જ્યારે તેને જાણ બહાર શોમાંથી કાઢવામાં આવ્યો હતો ત્યારે ચોંકી ગયો હતો. હંમેશાં ખુશમિજાજ અને પાર્ટીના મૂડમાં તેને દેખાડવામાં આવતો હતો. ૨૦૧૨માં તેની એક્ઝિટ બાદ પબ્લિક ડિમાન્ડ બાદ તેને ફરીથી શોમાં લાવવામાં આવ્યો હતો. જોકે ૨૦૨૦માં ગુરુચરણ સિંહે શો છોડી દીધો હતો. ત્યારથી આ શોમાં સોઢીના રોલમાં બલવિન્દર સિંહ સૂરિ જોવા મળે છે. શોમાંથી કાઢવા વિશે ગુરુચરણ સિંહ કહે છે, ‘‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ મારા માટે એક પરિવાર જેવો છે, કારણ કે જો હું તેમને મારો પરિવાર ન માનતો હોત તો એના વિરુદ્ધ હું ઘણુંબધું બોલ્યો હોત. ૨૦૧૨માં તેમણે મને રિપ્લેસ કર્યો હતો, મેં શો નહોતો છોડ્યો. એ વખતે કૉન્ટ્રૅક્ટ અને ઍગ્રીમેન્ટને લઈને ચર્ચા ચાલી રહી હતી. તેમણે તો મને જણાવ્યું પણ નહોતું. હું દિલ્હીમાં મારા પેરન્ટ્સ સાથે બેસીને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જોઈ રહ્યો હતો. એ એપિસોડમાં ધરમ પાજી તેમની ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા અને એમાં નવા સોઢીને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. એ જોઈને તો હું અને મારા પેરન્ટ્સ પણ ચોંકી ગયા હતા.’

