સારેગામાપામાં વિજેતા તરીકે ૧૦ લાખ રૂપિયા જીતનારી શ્રદ્ધાનું આવું છે ફ્યુચર પ્લાનિંગ
શ્રદ્ધા મિશ્રા
આગરામાં રહેનારી શ્રદ્ધા મિશ્રા ‘સારેગામાપા’ની વિજેતા બની છે અને આ સિદ્ધિ મેળવીને તે બહુ ખુશ છે. શ્રદ્ધાએ આગરામાં અને મુંબઈમાં ગાયનનું વિધિવત્ શિક્ષણ લીધું છે પણ તેના જીવનનો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો સિન્ગિંગ રિયલિટી શો ‘સારેગામાપા.’ શ્રદ્ધા નાનપણથી બહુ સરસ ગાતી હતી અને તેના પરિવારે પણ તેને ગાયનનું શિક્ષણ લેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. હવે જ્યારે શ્રદ્ધા ‘સારેગામાપા’ની વિજેતા બની ચૂકી છે ત્યારે હવે તે પોતાનું વિશ-લિસ્ટ પૂરું કરવા તત્પર છે. આ રિયલિટી શોના વિજેતા બનવા બદલ શ્રદ્ધાને ઇનામ તરીકે ૧૦ લાખ રૂપિયા મળ્યા છે. વિજેતા બન્યા પછી પોતાની લાગણી વ્યક્ત કરતાં શ્રદ્ધાએ કહ્યું છે કે ‘મને વિજેતા બનાવવા બદલ હું બધાની આભારી છું. જ્યારે વિજેતા તરીકે મારા નામની જાહેરાત થઈ ત્યારે પહેલાં તો મને વિશ્વાસ જ નહોતો બેઠો. સૌથી પહેલાં હું મારા ગુરુ સચિન-જિગરને ગળે મળી હતી. હું ખુશ છું કારણ કે હું મારી કળાને સાબિત કરી શકી છું. મને મારા મેન્ટર સચિન-જિગર સાથે મારું પહેલું ઓરિજિનલ ગીત ‘ધોખેબાજી’ રેકૉર્ડ કરવાની તક મળી. ઇનામ તરીકે મળેલી ૧૦ લાખ રૂપિયા જેવી રકમ ખરેખર ઘણી છે.’
પ્રાઇઝ મનીમાંથી શું કરશે? એવા સવાલના જવાબમાં શ્રદ્ધા કહે છે, ‘આ પૈસામાંથી સૌથી પહેલાં તો હું મારા પિતાના પગની સારવાર કરાવીશ. બહુ લાંબા સમયથી મારા પિતાના પગમાં સમસ્યા છે. હું મારો પોતાનો એક રેકૉર્ડિંગ સ્ટુડિયો પણ ખોલવા માગું છું. હું મારાં ગીત રેકૉર્ડ કરવા માગું છું. મારા પડછાયાની જેમ સતત મારી સાથે રહેતી મારી મમ્મી માટે કંઈક કરવા માગું છું. બૉલીવુડમાં હું બધાનો અવાજ બનવા ઇચ્છું છું, પણ આલિયા માટે ગીત ગાવાની મારી બહુ ઇચ્છા છે. હું ભવિષ્યમાં પણ સંગીત સાથે જોડાયેલી રહેવા માગું છું.’