અસિતકુમાર મોદી વિરુદ્ધ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટને લઈને તેણે કરી પોલીસ-ફરિયાદ
ફાઇલ તસવીર
જેનિફર મિસ્ત્રી બન્સીવાલે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિતકુમાર મોદી વિરુદ્ધ પોલીસ-ફરિયાદ ફાઇલ કરી છે. તેણે સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના કેસમાં પવઈ પોલીસ સ્ટેશનમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું છે. આ માટે તેને લગભગ છ કલાક સુધી સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. તે બપોરે મુંબઈ આવી હતી અને ઘણા કલાકો સુધી તે પોલીસ સ્ટેશનમાં સ્ટેટમેન્ટ આપી રહી હતી. આ સ્ટેટમેન્ટ રેકૉર્ડ કર્યા બાદ પોલીસે તેને કહ્યું હતું કે વધુ માહિતીની જરૂર પડી તો તેને ફરી બોલાવવામાં આવશે. જેનિફરના આ આરોપને પ્રોડક્શન હાઉસ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા. તેમનું કહેવું હતું કે જેનિફર સેટ પર અનપ્રોફેશનલ હતી અને લોકો સાથે ખરાબ વર્તન કરતી હતી. જોકે જેનિફર બાદ માલવ રાઝદા, મોનિકા ભદોરિયા અને પ્રિયા આહુજાએ પણ અસિતકુમાર મોદી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તેમણે સેટ પર હૅરૅસમેન્ટ વિશે કહ્યું છે, પરંતુ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ વિશે તેમણે કંઈ નથી કહ્યું. આ વિશે ‘મિડ-ડે’ને જેનિફરે કહ્યું કે ‘હું ૨૪ મેએ પોલીસ-સ્ટેશન ગઈ હતી. હું ત્યાં છ કલાકથી પણ વધુ સમય માટે હતી. મેં મારું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવી દીધું છે. હવે કાયદો એનું કામ કરશે. પોલીસને જો વધુ માહિતી જોઈશે તો તેઓ મને ફરી બોલાવશે એવું તેમણે કહ્યું છે. મેં તેમને મારી સંપૂર્ણ સ્ટોરી કહી દીધી છે. એમાંથી તેમણે મહત્ત્વના પૉઇન્ટ્સ નોટ-ડાઉન કર્યા છે.’