એક વિડિયો દ્વારા શૅર કર્યો ડિલિવરી વખતનો અંગત અનુભવ
દિશા વાકાણી
સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ઍક્ટ્રેસ દિશા વાકાણીને દયાબહેનનો રોલ કરીને બહુ લોકપ્રિયતા મળી હતી. દિશા ૨૦૧૭માં મૅટરનિટી લીવ પર ગઈ હતી અને પછી તેણે આ શોમાં કમબૅક નથી કર્યું. હવે દિશાનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની પ્રેગ્નન્સી વિશે વાત કરી રહી છે. આઠ વર્ષ જેટલા લાંબા ગૅપ પછી દિશાને ઑન-કૅમેરા જોઈને યુઝર્સ આ વિડિયો પર રીઍક્ટ કરી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે કે તે આટલા સમયમાં બહુ બદલાઈ ગઈ છે.
આ વિડિયોમાં દિશા વાકાણી કહે છે, ‘હું જ્યારે પહેલી વખત માતા બનવાની હતી ત્યારે મેં બીજા પાસેથી સાંભળ્યું હતું કે ડિલિવરી વખતે બહુ પીડા થાય છે અને આ સાંભળીને હું બહુ ડરી ગઈ હતી. હું પેરન્ટિંગનો એક કોર્સ કરી રહી હતી. એ સમયે મને કહેવામાં આવ્યું હતું કે તમે માતા બનવાનાં છો, પણ એ સમયે તમારે બૂમો નથી પાડવાની; તમે બૂમો પાડશો તો તમારી અંદર રહેલું બાળક ડરી જશે. મેં પછી હસતાં-હસતાં અને ગાયત્રી મંત્ર બોલતાં-બોલતાં ડિલિવરી કરી. મારા મનમાં સતત ગાયત્રી મંત્રનું સ્મરણ થઈ રહ્યું હતું. મેં આંખો બંધ કરીને ચહેરા પર સ્માઇલ સાથે દીકરીને જન્મ આપ્યો હતો.’
ADVERTISEMENT
આ વિડિયોમાં દિશા વાકાણી કહે છે, ‘આ ચમત્કાર છે. હું દરેક પ્રેગ્નન્ટ મહિલાને કહું છું કે મંત્ર બોલતાં રહેવાથી શક્તિ મળે છે. તમને એનો ચમત્કાર જોવા મળશે. જો તમે સંપૂર્ણ વિશ્વાસ સાથે મંત્ર બોલશો તો અલગ જ ચમત્કાર જોવા મળશે.’
દિશાનો આ વિડિયો જોઈને એના ફૅન્સ ખુશ થઈ ગયા છે અને મોટા ભાગના ફૅન્સે તેને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ફરી આવવા માટે વિનંતી કરી હતી.

