લગ્ન માટે પરમીતને ફોર્સ કર્યો હતો અર્ચનાએ
અર્ચના પૂરન સિંહ અને પરમીત સેઠી
‘ધ કપિલ શર્મા શો’ના ‘મિસ્ટર ઍન્ડ મિસિસ’ સ્પેશ્યલ એપિસોડમાં અર્ચના પૂરન સિંહ અને પરમીત સેઠી પોતાના રિલેશન વિશે જણાવશે. આ શોમાં કાશ્મીરા શાહ, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા અને પ્રિયંકા શારદા પણ આ સ્પેશ્યલ એપિસોડમાં જોવા મળવાનાં છે. શોમાં તેમની અનેક જાણી-અજાણી વાતો જાણવા મળવાની છે. કપિલ શર્માએ પરમીતને પૂછ્યું હતું કે શું તમને લગ્ન કરવા માટે સ્ટ્રગલ કરવી પડી હતી? એનો જવાબ આપતાં પરમીતે કહ્યું હતું કે ‘અર્ચનાએ મારી સાથે લગ્ન કરવા માટે મારા પર દબાણ નાખ્યું હતું. તેણે એવી સ્થિતિ ઊભી કરી હતી કે મારા પાસે કોઈ ઑપ્શન નહોતા વધ્યા.’
આ વિશે અર્ચનાએ કહ્યું હતું કે ‘પરમીત ખોટું બોલી રહ્યો છે. તેણે મને પ્રપોઝ કર્યું હતું. બાદમાં અમે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમે એકબીજાની પાછળ નહોતાં ભાગ્યાં, પરંતુ લગ્ન કરવા માટે સાથે ભાગ્યાં હતાં.’
ADVERTISEMENT
પરમીતે તરત જ કહ્યું હતું કે ‘અમે રાતે ૧૧ વાગ્યે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને અમે પંડિતજીને શોધવા લાગ્યાં હતાં. રાતે ૧૨ વાગ્યે અમને પંડિતજી મળ્યા હતા. પંડિતે અમને પૂછ્યું કે શું તમે ભાગી રહ્યાં છો અને છોકરી સગીર તો છેને? તેમને જવાબ આપતાં મેં કહ્યું કે તે તો મારા કરતાં વધુ સગીર છે. તો તેમણે કહ્યું કે આવી રીતે લગ્ન નથી થતાં. લગ્ન માટે મુરત કાઢવું પડશે. અમે એ જ રાતે તેમને પૈસા આપ્યા અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે અમે લગ્ન કરી લીધાં.’