અલી અસગર બનશે જહાંપનાહ અકબર
અલી અસગર
અમદાવાદ : બિગ મૅજિકના લોકપ્રિય શો ‘અકબર બિરબલ’ને નવું ઠેકાણું મળ્યું છે. ‘દેવોં કે દેવ... મહાદેવ’, ‘સિયા કે રામ’, ‘હાતિમ’, ‘પ્રેમ યા પહેલી - ચંદ્રકાન્તા’ વગેરે શોનું નિર્માણ કરનાર નિખિલ સિંહા ઐતિહાસિક કૉમેડી ‘અકબર બિરબલ’ને પાછી લાવી રહ્યા છે. ‘હર મુશ્કિલ કા હલ - અકબર બિરબલ’ શો બિગ મૅજિક ચૅનલ પર ૨૦૧૪માં લૉન્ચ થયો હતો અને ૨૦૧૬માં એની છેલ્લી સીઝન પ્રસારિત થઈ હતી. જોકે આ વખતે બિગ મૅજિકને બદલે સ્ટાર ભારત પર આ શો જોવા મળશે.
‘અકબર બિરબલ’માં કિકુ શારદા, વિશાલ કોટિયન, કિશ્વર મર્ચન્ટ અને ડેલનાઝ ઈરાની જેવા કલાકારો હતા જેમાં કિકુ શારદાએ અકબરનો અને વિશાલે બિરબલનો રોલ ભજવ્યો હતો. જ્યારે સ્ટાર ભારત માટે બની રહેલા શોમાં અકબરનું પાત્ર અલી અસગર ભજવવાનો છે અને બિરબલની ભૂમિકા વિશાલ કોટિયન જ ભજવશે. બાકીનાં પાત્રો માટે મેકર્સ નવા ચહેરાની શોધમાં છે. અલી અસગર છેલ્લે સ્ટાર પ્લસના શો ‘કાનપુર વાલે ખુરાનાસ’માં તો વિશાલ કોટિયન ‘વિઘ્નહર્તા ગણેશ’માં રાવણ તરીકે જોવા મળ્યો હતો.

