કેમ? ક્યું? વાય? કાહે?
કેમ? ક્યું? વાય? કાહે?
વરુણ ધવન અને સારા અલી ખાનની ‘કૂલી નંબર 1’ ક્રિસમસ પર રિલીઝ થઈ છે, પરંતુ એ એકદમ અવૉઇડેબલ છે. ડેવિડ ધવન દ્વારા બનાવવામાં આવેલી આ રીમેક ફિલ્મ ધાર્યા કરતાં વધુ બોરિંગ છે. ઓરિજિનલ ફિલ્મમાં ગોવિંદા હતો અને તેની જગ્યા લેવાનું કોઈનું કામ નથી. ડેવિડ ધવને અગાઉ સલમાન ખાનની ‘જુડવા’ની સીક્વલ વરુણ ધવન સાથે બનાવી હતી અને એ હિટ રહી હતી, પરંતુ આ ફિલ્મ એટલી જ બકવાસ છે.
ઓરિજિનલ ફિલ્મ કરતાં આ ફિલ્મમાં નહીં જેવો બદલાવ કરવામાં આવ્યો છે અને છતાં એમાં જરાય મજા નથી. એનું સૌથી પહેલું કારણ બકવાસ સ્ક્રીનપ્લે અને બકવાસ ડાયલૉગ છે. ફિલ્મમાં ઘણાં એવાં દૃશ્યો છે એને જોઈને લાગે છે કે કેમ? ક્યું? વાય? કાહે? આ દૃશ્યને લેવામાં આવ્યું. વરુણ ધવનનો મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ટ્રેન પર કૂદીને બાળકનો બચાવ કરવો એમાંનું જ એક દૃશ્ય છે. એક દૃશ્યમાં પરેશ રાવલ અને સારા અલી ખાન વિડિયો-કૉલ કરતાં હોય છે. જોકે આ દૃશ્યમાં પરેશ રાવલ ઍન્ડ્રૉઇડ ફોનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સ્ક્રીન પર ફેસ ટાઇમ એટલે કે આઇફોનની સ્ક્રીન હોય છે. ફિલ્મનો એક પણ ડાયલૉગ એવો નથી જેમાં તમને મજા આવે. ફરહાન સામજી પાસે વનલાઇનર્સનો દુકાળ પડ્યો હોય એવું લાગી રહ્યું છે.
વરુણ ધવને આ ફિલ્મ ભાગ્યે જ કોઈ એવો ઍક્ટર હશે જેની નકલ ન કરી હોય, પરંતુ એકમાં પણ મજા નથી આવતી. તેની ઓવરઍક્ટિંગ અને કોમિક ટાઇમિંગને કારણે ફિલ્મમાં તેની જે મજા હતી એ પણ નથી રહી. સારા અલી ખાનનું કામ પણ જોઈએ એવું નથી. આ ફિલ્મમાં શિખા તલસાનિયા અને સાહિલ વૈદ્યને લેવા પૂરતાં લેવામાં આવ્યાં છે. તેમની પાસે પણ કોઈ ખાસ કામ નથી કે તમને હસવું આવે. પરેશ રાવલ તેમના અટકચાળાને કારણે થોડું ઘણું મનોરંજન પૂરું પાડે છે, પરંતુ તેમના ડાયલૉગને કારણે એક સમય બાદ તેમને જોવામાં પણ ઇન્ટરેસ્ટ નથી રહેતો. જૉની લીવર, રાજપાલ યાદવ, પરેશ રાવલ અને મનોજ જોષી જેવા ઍક્ટર હોવા છતાં ફિલ્મ કૉમેડી દ્વારા મનોરંજન પૂરું પાડી ન શકી એ માટે સ્ક્રિપ્ટ અને ડિરેક્શન બન્ને જવાબદાર છે.
ફિલ્મનાં ગીતોમાં પણ એટલો દમ નથી. નવાં ગીતોનો જે સમાવેશ કરવામાં આવ્યો એમાં મજા નથી તેમ જ ઓરિજિનલ ગીતનો જે સમાવેશ કરવામાં આવ્યો છે એમાં પણ વરુણ અને સારાને જોવાની મજા નથી આવતી. એટલે કે મ્યુઝિકની દૃષ્ટિએ પણ આ ફિલ્મ પાછળ છે. જો બિટકૉઇનમાં પૈસા રોક્યા હો તો તમે ગીત દરમ્યાન એના પર નજર કરી શકો છો. વરુણ અને સારાની કેમિસ્ટ્રી પર નજર નાખવા કરતાં બિટકકૉઇનના ઉતાર–ચડાવ પર નજર કરવી વધુ વાજબી ગણાશે, કારણ કે એ હાલમાં જ ૨૫,૦૦૦ ડૉલરનો આંકડો પાર કરી ચૂક્યો છે.